SURAT

સુરતનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ, પાલ-અડાજણમાં કોઈ કપાયેલી ગાયનું ધડ ફેંકી ગયું

સુરત: કોઈ ટીખળખોરોએ સુરત શહેરનું વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. હિન્દુ અને જૈનોની બહુલ વસ્તી ધરાવતા શહેરના પાલ વિસ્તારમાં ઠેરઠેર કોઈ કપાયેલી ગાયના અંગો ફેંકી ગયા છે. પાલના મણીભદ્ર એપાર્ટમેન્ટ બહારથી ગાયનું કપાયેલું ધડ તો લેમન ગ્રાસ હોટલ પાસે પગ મળી આવ્યા છે. મૃત ગાયના કપાયેલા અંગો રસ્તા પર પડેલાં મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે. આસપાસના રહીશો આઘાત પામ્યા છે. જૈન મુનિઓ અને જૈનો રોષે ભરાયા છે. ટીખળખોરો સામે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવાર પાલ અડાજણ વિસ્તારમાં મૃત ગાયના કપાયેલા અંગો મળી આવ્યા છે. પાલમાં આવેલી મનીભદ્ર રેસિડેન્સીની બહાર ગાયનું કપાયેલું ધડ મળી આવતા સ્થાનિકો રોષે ભરાયા છે. પાલ લેક ગાર્ડન પાસે લેમન ગ્રાસ રેસ્ટોરન્ટના રોડ પર ગાયના પગ મળ્યા છે. કોઈ ટીખળખોરો રાત્રિના સમયે ગાયના કપાયેલા અંગો ફેંકી ગયા હોવાનું લાગી રહ્યું છે.

આ વિસ્તારમાં જૈનોની મોટી વસ્તી છે. મણીભદ્ર રેસિડેન્સીમાં જૈનો રહે છે, ત્યારે આ એપાર્ટમેન્ટની બહાર ગાયનું કપાયેલું ધડ મળી આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. જૈન મુનિઓ સહિત મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. આવું હીન કૃત્ય કરનારને પકડી તેની સામે સખ્ત કાર્યવાહી કરવા લોકોએ માંગ કરી છે.

ઘટનાની જાણ થતાં અડાજણ અને પાલ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે હાલ તો સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટના સ્થળ ઉપર એફએસએલની ટીમ પણ પહોંચી ગઈ છે. કપાયેલા અંગો કયા પશુના છે તેની તપાસ કરવામાં આવી રહી છે.

ઘટના અંગે ડીસીપી રાકેશ બારોટે કહ્યું કે, અજાણ્યા વ્યક્તિએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફોન કરી રસ્તા પર પશુના કપાયેલા અંગો પડ્યા હોવાની જાણ કરી હતી. તપાસ કરતાં માથાનો ભાગ મળી આવેલો છે. એફિશિયલની ટીમ બોલાવવામાં આવી છે, જે પશુના અંગનો ભાગ મળ્યો છે તેમની DNA તપાસ કરવામાં આવશે તેમજ વેટેનરી ડોક્ટરને પણ બોલાવવામાં આવ્યા હતા. તેમણે પણ નમૂના લીધા છે. પાલ ગાર્ડન પાસે પશુઓના બીજા અંગો મળી આવ્યા છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top