SURAT

સુરતની નંદુબા સ્કૂલમાં 60 બાળકોને 6 કલાક તડકામાં ઉભા રાખી માર મરાયો, વાલીઓ રોષે ભરાયા

સુરતઃ વાલીઓ વિદ્યાના ધામ એવી શાળાઓમાં બાળકોને શિક્ષીત થવા મોકલે છે પરંતુ શાળા સંચાલકો તો જાણે વેપાર કરવા જ બેઠાં છે. તેઓને તો ફી સાથે જ મતલબ છે. વાલીઓ પાસે ઊંચી ફી વસૂલ્યા બાદ પણ શાળા સંચાલકો બાળકો પર અત્યાચાર ગુજારતા ખચકાતા નથી.

આવો જ એક બનાવ સુરતમાં બન્યો છે. અહીંની એક શાળાએ 60 બાળકોને 6 કલાક સુધી તડકામાં ઉભા રાખી માર માર્યો છે. બાળકો સાથે થયેલા આ થર્ડ ડિગ્રી સમાન વર્તનની જાણ વાલીઓને થતાં વાલીઓ સ્કૂલ પર દોડી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો.

શહેરના અલથાણ વિસ્તારમાં આવેલી નંદુબા સ્કૂલ ખાતે વાલીઓએ આજે સવારે હંગામો મચાવ્યો હતો. વાલીઓનું ટોળું સ્કૂલ પર ધસી આવ્યું હતું. સંચાલકોનો ઉધડો લીધો હતો. બાળકો પર અત્યાચાર ગુજારનારા શિક્ષકોને આડે હાથ લીધા હતા.
વાલીઓની ફરિયાદ છે કે, સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંકશનની ફીના મુદ્દે વિદ્યાર્થીઓને ક્લાસ બહાર ઉભા રાખવામાં આવ્યા હતા. જેથી વાલીઓએ સ્કૂલ પર પહોંચીને હોબાળો મચાવ્યો હતો. જેથી પોલીસને ઘટના સ્થળે દોડી જવાની ફરજ પડી હતી.

અલથાણ વિસ્તારમાં આવેલી નંદુબા સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શન ફી મુદ્દે સતત બીજા દિવસે વાલીઓનો વિરોધ યથાવત રહ્યો છે. ગઈકાલે 60 વિદ્યાર્થીઓને ક્લાસ બહાર ઊભા રાખ્યા બાદ વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. સ્કૂલ પ્રિન્સીપાલ મોનિકા શર્માના વર્તન સામે રોષ વ્યક્ત કરાઈ રહ્યો છે. વાલીઓએ કહ્યું કે, શિક્ષકો દ્વારા માર મરાતો હોવાનો વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે.

એન્યુઅલ ફંકશનની ફી ન ભરનાર વિદ્યાર્થીઓને ક્લાસ બહાર ઉભા રાખવામાં આવતા વિરોધ કરી રહ્યા હોવાનું વાલીઓએ કહેતા ઉમેર્યું કે, અમારા સંતાનોને ટોયલેટ બહાર ઉભા રખાયા છે. જેથી અમારી એક જ માગ છે કે, અમારા સંતાનો સાથે જે પ્રકારનું ગેરવર્તન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે. તેમને પણ તેવો જ અનુભવ કરાવવો જોઈએ. અમે અમારા બાળકોના ટીસી પણ આ સ્કૂલમાંથી કઢાવી લઈશું તેમ રોષપૂર્વક વાલીઓએ કહ્યું હતું.

Most Popular

To Top