સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ પ્રતિબંધના આ નિયમનો અમલ થતો નથી. આખાય રાજ્યમાં ઠેરઠેર ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને પીવાય છે. હદ તો એ થઈ છે કે હવે છાકટા યુવકો જાહેર રસ્તા પર દારૂની રેલમછેલ ઉડાડતા પણ અચકાતા નથી. સુરતના ઉધના વિસ્તારમાં યુવકો વરસતા વરસાદમાં દારૂની બોટલો હાથમાં લઈ નાચતા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂબંધી અમલમાં છે. તેમ છતાં છાશવારે રેલમછેલ દારૂની થતી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ઉધના વિસ્તારમાં જાહેરમાં ડીજેના તાલે નાચતા યુવકો દારૂની મિજબાની માણતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં યુવકો પી..લે.પી..લે..ઓ મર જાની ગીત પર હાથમાં દારૂની બોટલ સાથે નાચતાં જોવા મળ્યા હતાં.
વીડિયો વાયરલ થતાં કહેવામાં આવી રહ્યું હતું કે, આ ઘટના ઉધના સંત નિરાકરણ ભવન પાસેની છે. અહીં કેટલાંક યુવકો જાહેર માર્ગ પર ટેમ્પો પાર્ક કરી તેમાં જોર જોરથી સોન્ગ વગાડતા હતા અને ટેમ્પોમાંથી બોટલો લાવી જાહેર રસ્તા પર નાચતા હતા. યુવકોની આ હરકતના લીધે આસપાસના રહીશો પરેશાન થયા હતા, પરંતુ અસામાજિક તત્વોના ડરના લીધે કોઈ કશું બોલતું નહોતું. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવકો દારૂની બોટલો સાથે જાહેરમાં નાચી રહ્યાં છે અને લોકો પોતાના વાહન લઈ પસાર થઈ રહ્યાં છે.
આ વીડિયો વાઈરલ થતાં પોલીસની કાર્યવાહીને લઈને પ્રશ્નો ઉભા થયા છે. દારૂબંધી હોવા છતાં યુવકો જાહેરમાં દારૂની બોટલો સાથે નાચતા હોય તે સીધો જ પોલીસને પડકાર છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયામાં પોલીસની કાર્યવાહીને લઈને આક્ષેપ કર્યા હતાં. હવે જોવું રહ્યું કે પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે.