સુરત: કાપોદ્રા (Kapodra) ખાતે ધોરણ-10 ના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત (Suicide) કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે વિદ્યાર્થી પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં (Suicide Note) કોઈ પારિવારિક મહિલા સાથે સંબંધ હોવાનું પરિવારના સદસ્યને શંકા હોવાથી પગલું ભર્યાનું લખ્યું છે.
- તાજેતરમાં તરૂણે ધો.10ની પરીક્ષા આપી હતી અને રિઝલ્ટની રાહ જોવાથી હતી
- તરૂણ પર પરિવારના સદસ્યને શંકા હતા, જેથી સ્યુસાઈડ નોટ લખી જીવન ટૂંકાવ્યું
બનાવ અંગે મળતી માહિતી મુજબ નાના વરાછા ખાતે પશુપતિનાથ સોસાયટીમાં રહેતા 16 વર્ષીય મોનિક દિલીપભાઈ મકવાણા ધોરણ-10માં અભ્યાસ કરતો હતો. પરીક્ષા આપ્યા બાદ હાલ તે રિઝલ્ટની રાહ જોતો હતો. તેના પિતા દિલીપભાઈ મંદિર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વધુમાં તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. 16 વર્ષીય મોનિકે શનિવારે રાત્રે પોતાના ઘરે રસોડામાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસને મોનિક પાસેથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે લખ્યું કે તેનો સંબંધ પારિવારિક મહિલા સાથે હોવાનું પરિવારના એક સદસ્યએ શંકા કરી હતી, જ્યારે તે મહિલા સાથે મારો કોઈ સંબંધ નહીં હોવાનું લખીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર બનાવને પગલે કાપોદ્રા પોલીસ વધારે તપાસ હાથ ધરી છે.
પીપલોદમાં શ્યામ વર્ણને લીધે લગ્ન નહીં થતાં યુવતીનો આપઘાત
સુરત: પીપલોદ ખાતે રહેતી યુવતીએ મારાં લગ્ન થતાં ન હોવાથી જિંદગીથી કંટાળી મારી મરજીથી આપઘાત કરું છું તેવી સ્યુસાઈડ નોટ લખી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ પીપલોદ એસએમસી આવાસ ખાતે રહેતા સુરેશ કનોજિયા લોન્ડ્રીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેને સંતાનમાં 1 પુત્ર અને 3 પુત્રી છે. તેમની 23 વર્ષીય પુત્રી પાયલ સસ્તા અનાજની દુકાનમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. પાયલની મોટી તેમજ તેનાથી નાની બહેનનાં લગ્ન થઈ ગયાં હતાં. જ્યારે પાયલ શ્યામ વર્ણની હોવાથી તેના લગ્ન થતાં ન હતાં. લગ્ન નહીં થતા હોવાથી તણાવમાં રહેતી પાયલે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસને પાયલ પાસે મળેલી સ્યુસાઈડ નોટમાં મારાં લગ્ન થતાં ન હોવાથી જિંદગીથી કંટાળી ગઈ છું અને મારી મરજીથી આપઘાત કરું છું. પોલીસને બોલાવતા નહીં એવું લખ્યું હતું. આ બનાવ અંગે ઉમરા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.