હેપ્પી ગો લકી સુરતીલાલાઓ ખાવા-પીવા અને હરવા-ફરવાના શોખિન તો છે જ, પરંતુ થોડા સમયથી સુરતીઓ સ્પોર્ટસ તરફ પણ રૂચિ ધરાવતા દેખાઈ રહ્યા છે. ક્રિકેટ ઉપરાંત છેલ્લાં કેટલાંક વર્ષોથી વૉલીબોલ, ટેનિસ, બેડમિંટન જેવી રમતો અહીંના લોકોમાં પ્રચલિત છે અને એનું કોચિંગ તથા ઈન્ફાસ્ટ્રક્ચર પણ ડેવલપ થયું છે. આજકાલ ટીવી પર ચાલતા સ્પોર્ટસનો પ્રભાવ અને સુરતમાં વિકસેલ હાઈ-એન્ડ ક્લબ-કલ્ચરને કારણે આજે સુરતીઓમાં ઓફ-બીટ સ્પોર્ટસ જેમકે, સ્કવૉશ, હેન્ડબોલ, પોલો, હોર્સ જમ્પીંગ, રાઈફલ શુટીંગ વિગેરે વિશે પણ થોડી અવેરનેસ જણાઈ રહી છે. પરંતુ હજી યોગ્ય સગવડ અને ઈન્ફાસ્ટ્રક્ચર અવેલેબલ ન હોવાને કારણે અને કંઈ અંશે આ સ્પોર્ટસ ખર્ચાળ હોવાને લીધે વાલીઓ હજી એટલા એક્ટિવલી આમાં આગળ નથી આવી રહ્યાં. પરંતુ આ રમતો તરફનો ટ્રેન્ડ પોઝિટિવ હોવાને કારણે સુરત આ બધામાં પણ આગળ જતાં સારો પ્રભાવ પાડી શકશે એવી આશા છે. તો ચાલો આજે આપણે મળીએ આવી ઓફબીટ રમતોના કોચીઝને અને જાણીએ એ લોકોનું આ વિશેનું મંતવ્ય….
હોર્સ રાઇડીંગમાં ખરો એથ્લીટ તો ઘોડો હોય છે : વિજયસિંહ વાઘેલા- (હોર્સ રાઈડીંગ અને હોર્સ જમ્પીંગ)
વિજયભાઈ મૂળ ભાવનગરના છે અને સુરતમાં સાઈલન્ટ ઝોનમાં હોર્સ રાઈડીંગ ઈન્સ્ટીટ્યુટ ચલાવે છે. 2004 થી હોર્સ રાઈડીંગનું શીક્ષણ લેવાનું R.D. ઝાલા નામની સરકારી ઈન્સ્ટીટ્યુટમાં ચાલુ કર્યું અને 6 વર્ષની તાલીમ પછી સુરત આવી પ્રોફેશનલ કોચીંગ અબ્રામાની પી.પી. સવાણી સ્કુલથી શરૂ કર્યું. સાઈલન્ટ ઝોનમાં હોર્સ રાઈડીંગ કલબમાં સિવિલયન્સને પણ ટ્રેનીંગ આપવામાં આવે છે. વિજયભાઈ કહે છે કે આ એક રોયલ ગેમ છે. આ ગેમમાં ખરો એથ્લીટ ઘોડો હોય છે. ઘણી ધીરજ સાથે આ ગેમ શીખવી પડે છે. આમ તો ઘણી ઈન્કવાયરીઝ અને લોકો શીખવા આવે છે પરંતુ થોડી વધારે હજી અવેરનેસની જરૂર છે. મારી પાસે નાના છોકરાઓથી માંડીને 60 વર્ષના લોકો શીખવા આવે છે. હોર્સ જમ્પીંગ શીખવાવાળા ઓલિમ્પિક ગેમ્સ સુધી આગળ જઈ શકે છે. ઘણાં વર્ષો પછી ઈન્ડિયાનો ફહાદ મિર્ઝા આમાં સિલ્વર મેડલ લાવ્યો છે. નેશનલ લેવલની કોમ્પ્ટિશન દિલ્હી, મુંબઈ વગેરે જેવી જગ્યાએ થાય છે. જે હવે ગુજરાતમાં પણ શરૂ કરવાની ઈચ્છા છે. નેશનલ લેવલ પર આ ગેમ રમી ચુકેલા સ્ટુડન્ટ્સને ગવર્નમેન્ટ જોબ માટે 5 પોઈન્ટસનો એડવાન્ટેજ પણ મળે છે. મારી 7 વર્ષની એક સ્ટુડન્ટ હરિયાણા સુધી પણ રમીને આવી છે. ઘણા લોકો આમાં આગળ વધવા માટે શીખે છે અને ઘણા ફક્ત એક્ટિવીટી તરીકે જુએ છે.
મારે યુનિવર્સિટી લેવલ પર આ ગેમ માટે પ્લેયર્સ તૈયાર કરવા છે : સંજય પટેલ (નેટબોલ કોચ અને PT ટીચર)
સંજયભાઇ મિલેનિયમ સ્કુલમાં નેટબોલનું કોચીંગ આપે છે. તેઓ કહે છે કે હું જયારે વોલીબોલ નેશનલ કોચીંગની તાલીમ લેવા ગયો ત્યાં નેટબોલના કલાસિસ ચાલતા હતા. ત્યાં મેં નેટબોલ રમવાની થોડી ટ્રેનિંગ લીધી, થોડા વિડિયોઝ જોઇને પણ હું આ ગેમ શીખ્યો ત્યારબાદ મેં કોચીંગની શરૂઆત કરી. જેમાં સ્કુલ તથા કોલેજના છોકરાઓ મારા કોચીંગ હેઠળ તૈયાર થયા. સંજયભાઇ આખા ગુજરાતની ટીમનું નેતૃત્વ પણ કરે છે. એમના માર્ગદર્શન હેઠળ એક સ્ટુડન્ટે સાઉથ એશિયન ગેમ્સમાં પણ નેટબોલમાં ભાગ લીધો હતો. આ ગેમ એશિયન ગેમ્સ, કોમનવેલ્થ જેવી ટુર્નામેન્ટસમાં સ્થાન ધરાવે છે. 1891માં USમાં આ ગેમ બાસ્કેટબોલની સાથે ચાલુ કરવામાં આવી હતી. બોયઝ બાસ્કેટબોલ રમે અને ગર્લ્સ નેટબોલ રમતી હતી. ધીરે ધીરે સમય જતા આ બંને આ બેઉ ગેમ્સ રમવા માંડયા. એમનું કહેવું છે કે થોડી અવેરનેસ આવી છે પણ હજી ઘણી વધારે અવેરનેસ લાવવી જરૂરી છે. એના માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ નથી થયું. 12-15 સ્કુલ્સમાં આ ગેમ્સ વિશે ખ્યાલ છે પણ મને યુનિવર્સિટી લેવલ પર પ્લેયર્સ તૈયાર કરવાની ઇચ્છા છે. આ ગેમ બિલકુલ ખર્ચાળ નથી. નેટબોલ ને ઓલિમ્પિકસમાં સ્થાન અપાવવા માટે ડેમો મેચ થવાની હતી પરંતુ કોવિડને કારણે એ કામ અધૂરું રહી ગયું.
સ્કવોશ ગેમ પ્રત્યે અવેરનેસ લાવવા માટે પ્રોપર ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ કરવું પડશે : રાહુલ વ્યાસ (સ્કવોશ અને ટેનિસ કોચ)
રાહુલભાઈ સ્કવોશ તથા ટેનિસના કોચ છે આ ગેમનું કોચીંગ કેમ નથી ચાલતું? તો તેના જવાબમાં તેઓ કહે છે કે ગ્રાઉન્ડ લેવલથી કોઈ સ્ટુડન્ટ્સ તૈયાર જ નથી થતા. હજી લોકોમાં સ્કવોશને લઈને બીજા સ્પોર્ટસની જેમ એટલું એક્સેપ્ટન્સ જ નથી. ઓલ ઈન્ડિયા લેવલ પર 4 રેકેટ કોચ ઈવેન્ટ થાય છે. એમાં દરેક પ્લેયરે આ બધી રેકેટ ગેમ શીખવાની રહે છે. હું બેડમિન્ટન અને ટેનિસ એક્સપર્ટ હોવાને કારણે અને કોચ રહી ચૂકેલો હોવાને લીધે સ્કવોશ પણ જલદી અડેપ્ટ કરી લીધું. સ્કવોશની વર્લ્ડ લેવલ પર અલગ ટુર્નામેન્ટ્સ જ થતી હોય છે. ચેન્નાઈ, પુને તથા અમદાવાદમાં આ સ્પોર્ટસ પ્રત્યે ઘણી અવેરનેસ છે. રાહુલભાઈ કહે છે કે સુરતમાં સ્કવોશ પ્રત્યે ઓછી અવેરનેસ છે. કારણકે અહીંયા એને લગતું પ્રોપર ઈન્ફાસ્ટ્રક્ચર જ નથી. ખૂબ ઓછા કોર્ટસ સુરતમાં છે એક કોર્ટમાં એક સાથે 2 જણ જ રમી શકે. બીજા બધા રેકેટ સ્પોર્ટસ કરતા સ્કવોશ પ્રમાણમાં ઓછું ખર્ચાળ હોવાનું પણ તેઓ જણાવે છે. રાહુલ ભાઈના મતે કોર્ટસની સંખ્યા વધારવી જોઈએ. તો વધારેને વધારે લોકો રમવા અને શીખવા આવે. રમવા આવનારા છોકરાઓ એમ્બિરિશ્યસ હોય અને મોટાઓ ફિટનેસ માટે આવે. ઘણા એને સ્ટેટ્સ સિમ્બોલ તરીકે પણ જુએ.
ઓલિમ્પકસને કારણે હવે શુટીંગ શીખવાનું મહત્વ વધી રહ્યું છે : સાંઈ ચેવલી (રાઈફલ- શુટીંગ કોચ)
સાંઈ ભાઈ લાન્સર્ઝ આર્મી સ્કુલમાં શુટીંગ એકેડમી ચલાવે છે અને પોતે ફાનાન્શયલ કન્શલ્ટન્ટ પણ છે. તેમને 2017માં ઓલિમ્પિક ગેમ્સ જોતા જોતા રાઈફલ શુટીંગ શીખવાનું મન થયું અને એમાં ઝંપલાવ્યું. તેઓ કહે છે કે આ ગેમ ઓલિમ્પિકમાં સ્થાન ધરાવે છે. અમારી પાસે 10 વર્ષના બાળકથી લઈ 50 વર્ષના લોકો રાઈફલ શુટીંગ શીખાવા આવે છે. ઓલિમ્પિકસને કારણે લોકોમાં છેલ્લાં 2 વર્ષથી એવું જોવા મળી રહ્યું છે કે ક્રિકેટ સિવાય આ પણ એક ગેમ છે જેમાં આગળ વધી શકાય છે. તેઓ કહે છે કે અમે શીખવા આવનારને અમારા વેપન્સ પ્રોવાઈડ કરીએ છે. અમારા સ્ટુડન્ટ્સ અમારા વેપન્સથી જ નેશનલ લેવલ પર પણ રમે છે. સાંઈ ભાઈ રીસન્ટલી નેશનલ લેવલ પર રમી આવ્યા છે. એમની સાથે એમના 2 સ્ટુડન્ટ્સ પણ ટીમ ઈન્ડિયાની ટ્રાયલ્સ માટે સીલેક્ટ થયા છે. તેઓ કહે છે મારી પાસે આવનાર બધા જ સ્ટુડન્ટ્સ સીરીયસલી રમવા માટે જ આવે છે. ઘણી ધીરજ રાખવી પડે અને ફિટનેસની પણ આ ગેમમાં જરૂર છે.
પોલોમાં પોતાના ઘોડા વસાવવા પડતા હોવાને કારણે ખર્ચાળ ગેમ બની જાય છે જયવીર સિંહ ગોહિલ: (હોર્સ રાઈડીંગ અને પોલો કોચ)
જયવીર સિંહ આમ ભાવનગર બેઝડ છે. તેઓ સુરતમાં વર્ષમાં 2-3 મહિના હોર્સ રાઈડીંગ કેમ્પ ચલાવે છે. અને પોલો ગેમ વિશે અવેરનેસ લોકોમાં આવે એવા પ્રયત્ન કરે છે. એમણે 2005 થી ભાવનગરની R.D. ઝાલા એકેડેમીમાં ટ્રેનિંગ લેવાનું ચાલુ કર્યું. મેં 2011માં ભાવનગરની પોલો કલબ જોઈન કરીને પોલો શીખવાડવાનું ચાલુ કર્યું. જયવીરભાઈ કહે છે કે આ ગેમમાં તમારે જીવતા પ્રાણી સાથે ડીલ કરવાનું રહે છે. આપણી જેમ એને પણ મુડ સ્વીંગ્સ આવતા હોય છે. એના માટે સારા હોર્સમેન થવું પડે. આ ગેમ અન્ય ગેમની જેમ ફટાફટ શીખીને આગળ વધવું હોય એવું ન બની શકે. 4-5 વર્ષ ધીરજ રાખીને શીખવું પડે પછી જ એમાં આગળ વધાય. તેઓ કહે છે કે અમારી પાસે 12 વર્ષના બાળકો પણ આવે અને 60 વર્ષના પણ પોલો શીખવા આવે છે. આ ગેમ ઈન્વેસ્ટમેન્ટની દૃષ્ટિએ ખૂબ ખર્ચાળ છે. આગળ વધવા માટે લોકોએ ઘોડા વસાવા પડે છે. શોખિનો વસાવે પણ છે. આ એક રોયલ ગેમ છે અનમા નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ્સ થાય છે. ઘણા લોકો ખાલી કેમ્પ અટેન્ડ કરવા પૂરતું જ આવે છે. આખાં ગુજરાતમાં 10 જ જણ ઘોડા ખરીદવાની તૈયાર આગવી આગળ વધવા માટે શીખે છે.
છેલ્લા 12 વર્ષથી વેલ કવોલિફાઇડ સ્પોર્ટસ ટીચરની ભરતી નથી થઇ : અમિત પટેલ (હેન્ડ બોલ કોચ અને PT ટીચર)
જ્ઞાનદિપ વિદ્યાલય, આભવામાં PT ટીચર તરીકેની ફરજ બજાવતા અમિત ભાઈ, હેન્ડબોલ, વોલીબોલ, એથ્લેટિક્સમાં નેશનલ લેવલના પ્લેયર રહી ચૂક્યા છે. એમણે M.PE (માસ્ટર્સ ઈન ફીઝીકલ એજ્યુકેશન) સુધીનો અભ્યાસ કર્યો છે. એમના કોચિંગ હેઠળ હેન્ડબૉલમાં 11 ખિલાડી ભાઈઓ અને 14 બહેનો નેશનલ લેવલની પસંદગી પામી ચૂક્યા છે. તેઓ કહે છે કે હજી સુરતમાં હેન્ડબોલ વિશે ઓછી અવેરનેસ છે. ક્રિકેટ, સ્વિમિંગ, કરાટે, વિગેરે જેવી ગેમ્સનું કોચિંગ ડગલે-ને પગલે મળી રહે છે. હેન્ડબોલ જેવી ઓલિમ્પિક લેવલની રમત કેમ ઓછી પ્રચલિત છે. એના જવાબમાં તેઓ કહે છે કે એને માટે સ્કુલોમાં જોઈએ એવું ઈન્ફાસ્ટ્રક્ચર જ નથી, વેલ ક્વોલિફાઈડ સ્પોર્ટસ ટીચની ભરતી છેલ્લા 12 વર્ષથી થઈ જ નથી. ઘણા પ્રિન્સિપલ અને ટ્રસ્ટીઓનો સપોર્ટ ન હોવાથી સ્પર્ધામાં ભાગ નથી લઈ શકતા. ઘણે ભાગે એક્ઝામ સમયે તાલુકા, જિલ્લા, રાજ્ય, નેશનલ કક્ષાનું આયોજન થતું હોવાથી વાલીઓ પણ ભણતર ને જ વધારે મહત્ત્વ આપે છે. ગુજરાતમાં બીજા સ્ટેટસની જેમ એડમિશન માટે સ્પોર્ટસ કોટાની પણ ફેસિલિટી નથી. બાળક 10 કે 12માં આવે એટલે વાલીઓ સ્પોર્ટસ છોડાવી દે છે.