સુરત: રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીના શહેર સુરતમાં ગુનાખોરી દિનપ્રતિદિન વધી રહી છે. પોલીસ વ્યાજખોરો પર અંકુશ લાવવામાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ લુખ્ખા અસામાજિક તત્વોની ખુલ્લેઆમ દાદાગીરી વધી ગઈ છે. થોડા દિવસ પહેલાં જાહેરમાં તલવાર લઈ રખડતા અને લોકોને ધમકાવતા ગુંડાઓનો વીડિયો વાયરલ થયો હતો. તે વાત હજુ ભૂલાઈ નથી ત્યાં તો અમરોલીમાં લુખ્ખાઓ દ્વારા એક યુવકને જાહેરમાં લાકડાના ફટકાથી ફટકારી વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જાણે પોલીસનો કોઈ ધાક જ નહીં હોય તેમ લુખ્ખાઓએ યુવકને ફટકારતા હોવાનો વીડિયો પણ બિન્ધાસ્ત વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતા જ પોલીસ દોડતી થઈ ગઈ છે.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના અમરોલીમાં ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક વધ્યો છે. અહીંના કોસાડ આવાસમાં એક યુવકને લાકડાના ફટકાથી જાહેરમાં માર મારવામાં આવ્યો છે. તેને મારતા હોવાનો વીડિયો પણ બનાવાયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરવામાં આવ્યો છે. માર મારનાર યુવક કોસાડ આવાસનો હાશિમ હોવાની ચર્ચા છે. જોકે, હજુ સત્તાવાર રીતે કોઈ વિગતો સામે આવી નથી. હાલ પોલીસ વીડિયોની ખરાઈ કરી રહી છે. ત્યાર બાદ કસૂરવારો સામે પગલાં ભરવામાં આવશે.
મહાશિવરાત્રિએ વધુ પડતી ભાંગ પી ગયેલા સચીનના આધેડનું મોત
સુરત: મહાશિવરાત્રિના રોજ વધુ પડતી ભાંગ પી લીધા બાદ સુઈ ગયેલો આધેડ સવારે ઉંઘમાંથી ઉઠ્યોન હતો. આસપાસના લોકો તેને નવી સિવિલ હોસ્પિટલ લાવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર સચીન જીઆઈડીસી પાસે આવેલ રામેશ્વર કોલોનીમાં રહેતો 55 વર્ષનો વસંત સુખા માઝી સ્થાનિક મીલમાં મજૂરી કામ કરતો હતો. શનિવારના રોજ તેણે વધુ પડતી ભાંગ પી લીધી હતી. ત્યાર બાદ તે તેના રૂમમાં જઈને સૂઈ ગયો હતો. શનિવાર રાત્રે અને રવિવારે આખો દિવસ તે ઉઠ્યો ન હતો. ત્યારે આસપાસના લોકોએ 108 અને પોલીસને જાણ કરી હતી. પોલીસ અને 108 તેને વસંતને નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. પોસ્ટ મોર્ટમમાં પણ મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ તેના પડોશીઓએ પોલીસને કહ્યું કે તેને વધુ માત્રામાં ભાંગ પી લીધી હતી. વસંતનું કોઈ પણ નજીકનું સગુ સુરતમાં નથી રહેતું. સચીન જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.