સુરત શહેરમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે માત્ર બે કલાકના ટૂંકા સમયમાં પોણા છ ઇંચ જેટલો વરસાદ વરસતા શહેર આખું પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અનેક મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે. સ્કૂલોમાં રજા આપી દેવાય છે. સુરતમાં ભારે વરસાદ પડતાં ઠેર ઠેર ગળા ડૂબ પાણી ભરાયા છે. રાંદેર રોડથી ઋષભ ચાર રસ્તા, અડાજણ પાટિયાંથી સરદાર બ્રિજ તરફ જવાનો રસ્તો બંધ થયો છે. અડાજણ પાટિયાંથી ચોક બજાર જવાનો વાહન વ્યવહાર પણ બંધ થયો છે. ઠેર ઘૂંટણ સમાણા પાણી ભરાયા છે. રામનગર થી અડાજણ પાટિયા સુધી પાણીનો ભરાવો થયો છે.
2006 પછી રાંદેરઝોનનો સેન્ટ્રલ ઝોનના નેહરુ બ્રિજ અને હોપ પુલથી ચોકબજાર જવાનો અને રાંદેર ઝોનનો સરદાર બ્રિજ અને કેબલ સ્ટેજ બ્રિજથી અઠવા ઝોન જવા પાણીના ભરાવાથી સંપર્ક કપાયો છે.રાંદેરઝોનથી સેન્ટ્રલ, કતારગામ, વરાછા કે અઠવા ઝોન જવું હોય તો જીલાની બ્રિજ, પાલ ઉમરા બ્રિજ થઈ જવા વાહનોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરમિયાન સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે. આજરોજ તારીખ 23.06.2025 ના રોજ સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો હોવાથી કલેકટર સાહેબની સૂચનાથી શાળાઓમાં સવારની પાળીમાં બાળકોને રજા આપી અને ઘરે ઝડપથી પહોંચે તે રીતે વ્યવસ્થા કરવાની તાકીદ કરાઇ છે.
વરસાદ ને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે, જેના કારણે રસ્તાઓ પર ગોઠણ સુધી પાણી જોવા મળ્યું છે. વાહનચાલકો અને પાદચાલકો બંને મુશ્કેલીમાં મુકાયા છે. ઘણી જગ્યાએ પાર્ક કરેલા વાહનો પણ અડધી હાઇટ સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા છે. રસ્તાઓ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ છે. હાલમાં તંત્રે લોકોને અનાવશ્યક બહાર ન જવાની અને સુરક્ષિત જગ્યાએ રહેવાની અપીલ કરી છે. આગામી કલાકોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા હોવાથી તંત્ર એલર્ટ સ્થિતિમાં છે.