સુરત: (Surat) સુરત શહેરમાં ત્રણ દિવસથી સતત તાપમાન (Weather) વધતા ઠંડીની (Winter) અસર ઓસરી જવા પામી છે. આજે શનિવારે લઘુત્તમ તાપમાનમાં વધુ બે ડિગ્રીનો વધારો થવા પામતા સરતમાં ત્રણ દિવસમાં તાપમાનનો પારો 6 ડિગ્રી વધી જતા ઠંડી ગાયબ તાપમાન સતત ઊંચું નોંધાયું છે. આ સાથે સુરતના મહત્તમ તાપમાનમાં પણ 2 ડિગ્રીનો વધારો નોંધાતા સુરતમાં જોરદાર પડતી ઠંડીમાં લોકોને મોટી રાહત થઈ છે.
- સુરતમાં 3 દિવસમાં તાપમાનનો પારો 6 ડિગ્રી વધ્યો
- શનિવારે સવારે લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રી ઊંચું નોંધાયું
- ઉત્તર પૂર્વીયના ઠંડા સૂકા પવનોની ગતિ ધીમી પડતા જ શહેરના તાપમાનમાં વધારો
હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યા મુજબ, આજે શનિવારે સવારે સુરતનું લઘુત્તમ તાપમાન ગઈકાલના પ્રમાણમાં બે ડિગ્રી વધીને 20.2 ડિગ્રી નોંધાયું છે. ઉત્તર પૂર્વીય દિશા તરફથી ત્રણ ક્રિમીની ઝડપથી પવન ફૂંકાતા સુરતમાં જોરદાર ઠંડીના પ્રમાણમાં માતબર ઘટાડો થતાં તાપમાનનો પારો ઉપર ચઢી ગયો છે. તેથી સુરતના લોકોને ભારે ઠંડીમાં હંગામી રાહત થવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી સુરતના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું. જે આજરોજ 20 ડિગ્રી કરતા પણ વધુ નોંધાઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે ગુરુવારથી જ સુરતના તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. ગુરુવારથી ઉત્તર પૂર્વીયના ઠંડા સૂકા પવનોની ગતિ ધીમી પડતા જ શહેરના તાપમાનમાં વધારો નોંધાવા માંડ્યો હતો.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી સાતેક દિવસ સુધી શહેરનું મહત્તમ તાપમાન 29થી 30 ડિગ્રીની આસપાસ રહેશે. જેને કારણે ઠંડીનું જોર ઘટી જવા સાથે ઠંડીમાં ગરમીનો અહેસાસ થશે. બુધવારની સવારથી જ ઉત્તર પૂર્વ દિશા તરફથી સતત ફૂંકાતા ઠંડા અને સૂકા પવનોની ગતિ ધીમી પડી હતી. દરમિયાન શુક્રવારની મોડી સાંજ સુધીમાં ઉત્તર પૂર્વ દિશાથી ફૂંકાતા ઠંડા અને સૂકા પવનોની ગતી ચાર કિલોમીટર પ્રતિ કલાક થઈ હતી. જેને કારણે શહેરનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી પર પહોંચ્યું હતું. આમ, આ સ્થિતિથીથી શહેરીજનોએ ગરમ વસ્ત્રો પહેર્યા વિના જ હરતા ફરતા દેખાયા હતા.
શુક્રવારની સરખામણીએ શનિવારે બે ડિગ્રી પારો ઊંચે ચઢ્યો
લઘુત્તમ તાપમાનની વાત કરીયે તો શુક્રવારે શહેરનું લઘુત્તમ તાપમાન 18.5 ડિગ્રી નોંધાયું હતું. જેમાં શનિવારે 2 ડિગ્રીનો વધારો થયો છે. શનિવારે સવારે શહેરનું લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે અગાઉથી જ શહેરનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી આસપાસ પહોંચશે તેવી આગાહી કરી હતી. જે સાચી પડી છે.
રાત્રે ઠંડી અને દિવસે ગરમીનો અહેસાસ થશે
જોકે આગામી અઠવાડિયાથી ફરી એકવાર લઘુત્તમ તાપમાનમાં ક્રમશ: ઘટાડો જોવા મળશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી અઠવાડિયે તાપમાન 18થી ડિગ્રીથી નીચું જઇને 16 ડિગ્રી પર પહોંચશે. પરંતુ મહત્તમ તાપમાન આગામી સાતેક દિવસ સુધી 29થી 30 ડિગ્રી આસપાસ જ રહેશે. આમ, શહેરમાં દિવસે ગરમી તો રાતે ઠંડીનો અહેસાસ થશે.
