SURAT

સુરતમાં કેરી જેટલાં મોંઘા થયા લીંબુ, એક કિલોનો ભાવ આટલો થયો

સુરત: મહારાષ્ટ્રના રત્નાગિરિથી આવેલી 5 કિલો આફૂસ કેરીની પેટીની કિંમત જેટલા જ ભાવે સુરતમાં એક કિલો લીંબુ વેચાઈ રહ્યાં છે. મોંઘવારીની માર વચ્ચે સુરતમાં કિલો છૂટક લીંબુનો ભાવ 180 રૂપિયા પહોંચી ગયો છે. હજી ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યાં તો શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે.

  • એક મહિના પહેલાં સુરત એપીએમસીમાં 20 કિલો લીંબુનો ભાવ 400થી 600 હતો, જે વધીને આજે 2000થી 2500 રૂપિયા થયો
  • ઓછા ઉત્પાદન વચ્ચે ઉનાળામાં લીંબુનો વપરાશ વધતાં ભાવોમાં સતત વધારો, ગરીબોના નસીબમાં લીંબુનાં ખાટા ફૂલનો વિકલ્પ બચ્યો

સુરત એપીએમસીના ડિરેક્ટર બાબુભાઈ શેખે જણાવ્યું હતું કે, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ખરાબ હવામાનની અસર અને શહેરીકરણને લીધે લીંબુની ઘટી રહેલી વાડીઓને લીધે ઉત્પાદન ઘટ્યું છે. વધુ ડિમાન્ડ સામે માલની ઓછી આવકને લીધે લીંબુના ભાવ વધી રહ્યા છે.

એક મહિના પહેલાં સુરત એપીએમસીમાં 20 કિલો લીંબુનો ભાવ 400થી 600 હતો. જે વધી આજે 2000થી 2500 રૂપિયા થયો છે. હોલસેલ ભાવો વધી રહ્યા હોવાથી લોકલ માર્કેટમાં સારી ક્વોલિટીના કિલો લીંબુના ભાવ 180 રૂપિયા થયા છે. જેમજેમ ગરમી વધશે વપરાશ વધશે એમ લીંબુના ભાવો આ સિઝનમાં પાછલા તમામ રેકોર્ડ તોડી નાંખે તો નવાઈ નહીં.

માત્ર એક પખવાડિયામાં લીંબુના ભાવમાં કિલોએ 60થી 80 રૂપિયા ભાવ રિટેઇલમાં વધ્યા છે.
બાબુભાઈ શેખે વધુમાં જણાવ્યું હતું કે, લીંબુના ભાવમાં મોટો વધારો થવાનું કારણ એ છે કે, ઉનાળામાં ગરમીથી બચવા અને લૂ ન લાગે એ માટે લીંબુનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. લીંબુ પાણી, લીંબુ શરબત, લીંબુ સોડાનો વપરાશ વધુ થાય છે. ઉનાળાની ઋતુમાં શેરડીના રસમાં લીંબુનો ઉપયોગ તેમજ ખાદ્ય પદાર્થોમાં પણ લીંબુનો ઉપયોગ વધતો હોય છે.

દર વર્ષે ઉનાળામાં સપ્લાય સામે ડિમાન્ડ વધુ રહેતી હોવાથી ભાવો વધતા હોય છે. કારમી મોંઘવારીમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા હોય છે. ગૃહિણીઓની સ્થિતિ કફોડી બની છે. સામાન્ય મધ્યમ વર્ગની ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ગરીબ પરિવારો લીંબુનાં ફૂલ સસ્તાં મળતાં હોવાથી એનો વિકલ્પ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

લીંબુના ભાવ એપ્રિલ-મે મહિનામાં હજી વધશે: બાબુભાઈ શેખ
સુરત એપીએમસીના ડિરેક્ટર બાબુભાઈ શેખ કહે છે કે, લીંબુના ભાવ એપ્રિલ, મે મહિનામાં ગરમીનું પ્રમાણ ખૂબ વધારે હશે ત્યારે હજી વધશે. કારણ કે, હજી ઉનાળો શરૂ થયો ત્યાં સુરત એપીએમસીમાં હોલસેલ લીંબુ વેચાણનો ભાવ 20 કિલોનો 2000થી 2500 રૂપિયો થઈ ગયો છે. લીંબુ બજારની સ્થિતિ જોતાં છૂટક બજારમાં કિલો લીંબુ 250થી 300 રૂપિયે પહોંચવાનો અંદાજ છે. અથાણા માટે હોલસેલ ખરીદી ચાલી રહી છે અને લીંબુનો રસ સ્ટોરેજ કરવાનું ચલણ વધ્યું છે.

એ જોતાં આ વર્ષે લીંબુના ભાવો પાછલા તમામ રેકોર્ડ તોડશે. સુરત એપીએમસીમાં અત્યારે મહારાષ્ટ્રના ચાલીસ ગાંવ, શ્રીગોંડા, કર્ણાટકના વિજાપુર ખાતે લીંબુની વાડીઓમાંથી લીંબુની આવક થઈ રહી છે. અગાઉ હૈદરાબાદ અને જલગાંવથી પણ માલની આવક થતી હતી એ ત્યાંના લોકલ માર્કેટની ખપતમાં જઇ રહ્યાં છે. ચાલુ વર્ષે ક્લાઈમેટ ચેન્જની અસરને લીધે પણ લીંબુનો પાક ઓછો ઊતર્યો છે. એની અસર પણ વધતાં ભાવમાં જોવા મળશે.

Most Popular

To Top