સુરતઃ શહેરમાં આપઘાતના બનાવમાં ચિંતાજનક હદે વધારો થયો છે. હજુ થોડા દિવસ પહેલાં શહેર ભાજપના વોર્ડ નં. 30ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કર્યો હોવાના આઘાતજનક સમાચાર બહાર આવ્યા હતા અને હવે શહેરની એક શાળામાં યુવકની ડેડબોડી મળતા ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના હીરાબાગ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે. ડેડબોડી સ્કૂલના હીંચકા પર લટકતી મળી છે. સવારે સ્કૂલ ઉઘડી ત્યારે ડેડબોડી જોઈ સ્કૂલ શિક્ષકો, બાળકો હેબતાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી હીરાબાગની સ્કૂલમાં આવેલા ગાર્ડનની અંદર હીંચકાની સાંકળમાં યુવકે ફાંસો ખાધો હતો. સ્કૂલની અંદર સિક્યુરિટી ગાર્ડ રજા ઉપર હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ કાપોદ્રા પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ ચાલુ કરી હતી. મૃતદેહને હાલ પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ડો. વિક્રમ સારાભાઈ પ્રાથમિક ક્રમાંક નંબર 136 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુમાર શાળા તથા કવિ શ્રી રાજેન્દ્ર શાહ ક્રમાંક નંબર 143 કન્યા શાળા ખાતે અજાણ્યા યુવકે આપઘાત કરી લીધો હતો. હીંચકાની સાંકળ સાથે ગળું બાંધીને આપઘાત કરી લીધો હતો. જેથી શાળા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા સીસીટીવીની મદદ લઇ તપાસ ચાલુ કરવામાં આવી છે.