સુરત: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના (Gujarat Home Minister Harsh Sanghvi) શહેરમાં પોલીસનો (Surat Police) કોઈ ધાક રહ્યો હોય તેમ લાગતું નથી. અહીં જાહેરમાં અસામાજિક લુખ્ખાં તત્વોની દાદાગીરીના કિસ્સા અવારનવાર જોવા અને સાંભળવા મળી રહ્યાં છે ત્યારે હવે તો ગુંડા તત્વોએ બધી હદ વટાવી દીધી છે. અહીં રવિવારની રાત્રે કેટલાંક અસામાજિક ગુંડા તત્વો ખુલ્લેઆમ જાહેરમાં તલવાર લઈને ફરતા જોવા મળ્યા હતા. કોઈ પણ કારણ વિના લુખ્ખાં ઈસમો તલવાર બતાવીને લોકોને ડરાવી રહ્યાં હતાં. લોકોને મારવાના ઈરાદે તલવાર લઈ દોડી રહ્યાં હતાં. ખુલ્લેઆમ જાહેરમાં તલવાર લઈને ફરતા ગુંડાઓની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
- સુરતમાં અસામાજિક તત્વો બેફામ, આંજણા વિસ્તારમાં લુખ્ખાંઓનો આતંક
- જાહેરમાં તલવાર લઈ લોકો પર ધાક જમાવ્યો, તલવાર લઈને ફરતા ટપોરીઓ સીસીટીવીમાં કેદ
- જાહેરમાં તલવાર લઈ ફરતા લુખ્ખાઓને જોઈ લોકો ગભરાયા, ખુલ્લી તલવાર લઈ લોકોને મારવા ટપોરીઓ દોડ્યા
આ ઘટના સુરતના આંજણા ફાર્મ વિસ્તારની છે. અહીં અમન નામના ટપોરીનો ત્રાસ છે. રવિવારની રાત્રિએ અમન અને તેના સાગરીતો તલવાર લઈ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તલવાર બતાવીને અમન અને તેની ટોળકીએ આવતા જતા વાહનો અટકાવ્યા હતા. એક ટ્રકને રસ્તાની વચ્ચોવચ્ચ રોકી દીધી હતી. જાહેરમાં તલવાર ફરતા અમન અને તેની ટોળકીને જોઈને લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આવતા જતા વાહનચાલકોને અમન તલવાર મારવાના ઈરાદે બતાવતો હતો. ત્યાર બાદ તે અને તેની ટોળકી તલવાર લઈને રસ્તા પર દોડતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તલવાર સાથે ફરતા આ ગુંડા તત્વોને જોઈ લોકોમાં ગભરાટ પેલાયો હતો. લોકો ઘરની તરફ દોડ્યા હતા. દરવાજા બંધ કરી દીધા હતા.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવતા પોલીસની કામગીરી પર શંકા ઉભી થઈ છે. પોલીસનો કોઈ જ ધાક સુરત શહેરમાં નહીં હોવાના પુરાવા આ સીસીટીવી ફૂટેજ આપી રહ્યાં છે. આ ઘટનાના સીસીટીવી બહાર આવતા પોલીસ દોડતી થઈ હતી. છેલ્લે જાણવા મળ્યા મુજબ સલાબતપુરા પોલીસે તલવાર લઈને લોકો પાછળ દોડતા ગુંડા તત્વોને પકડી પાડ્યા છે.