સુરતઃ શહેરના અલથાણ વિસ્તારમાં પાલતું શ્વાનના લીધે પાડોશીઓમાં ઝઘડો થયો હોવાની ઘટના સામે આવી છે. પાલતુ શ્વાને પાડોશીના બાળકને બચકું ભરતા પાડોશીઓ ઝઘડ્યા હતા. બાળકના માતા-પિતાએ શ્વાનની મહિલા માલિકના ભાઈને માર માર્યો હતો અને મહિલાની છાતી પર હાથ મુકી તેની છેડતી કરી હતી. એટલું જ નહીં સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં મહિલાની બદનામી કરી હતી, તેના લીધે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. શ્વાનની મહિલા માલિકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે.
અલથાણ પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર અલથાણ વિસ્તારના આભવા ચાર રસ્તા પાસે આવેલા સ્વપ્નભૂમિ એપાર્ટમેન્ટમાં પીડિત મહિલા રહે છે અને બ્યુટિશિયન તરિકે કામ કરે છે. આ મહિલા ગઈ તા. 2 ઓક્ટોબરના રોજ કામ અર્થે બહાર ગઈ હતી. ત્યારે ઘરમાં તેનું 10 વર્ષનું બાળક અને તેનો ભાઈ હાજર હતાં.
કામવાળી મહિલા કામ કરીને ગઈ અને ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો હોવાથી પાળેલું શ્વાન બહાર નીકળી ગયું હતું. જેણે સામે જ રહેતા પ્રવિણકુમાર દિનેશચંદ્ર જોષી અને ખુશ્બુ જોષીના પુત્રને જાંઘના ભાગે બચકું ભરી લીધું હતું. આ વાતની જાણ ખુશ્બુ અને પ્રવિણકુમારને થતાં તેમણે બૂમાબૂમ કરી મુકી હતી. જેથી મહિલાનો ભાઈ પોતાના ઘરમાંથી બહાર આવ્યો હતો. જેથી પ્રવિણકુમારે તેની સાથે ઝઘડો કર્યો હતો. મહિલાના ભાઈએ માફી માગી હોવા છતાં તેને માર માર્યો હતો.
પીડિતાએ કહ્યું કે, અમે તેમની માફી માગવાની સાથે સાથે તેમને વળતર આપવા પણ તૈયાર હતાં. તેમ છતાં તેઓએ અમારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. સાથે જ ધમકીઓ પણ આપવાનું શરૂ કર્યું હતું. મારી છાતી પર હાથ મૂકીને મને ધક્કો પણ માર્યો હતો.
સોસાયટીના વોટસએપ ગ્રુપમાં પણ અભદ્ર કહી શકાય તેવા મારા વિરુદ્ધ મેસેજ કર્યા હતાં. પોતે સરકારી નોકર હોવાથી દબાવવાની કોશિષ કરવામાં આવી રહી છે. જો કે અમને ન્યાય પર પુરો ભરોસો છે. જેથી અમે તમામ પૂરાવાઓ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.