સુરત: ઉધના રેલ્વે યાર્ડમાં ગત 22 તારીખે એક મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. રેલ્વે પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન મહિલાની હત્યા કરનાર આરોપી તેનો ભાણેજ જ નીકળતા બિહાર ખાતેથી ઝડપી પાડ્યો હતો.
- ઉધના રેલ્વે યાર્ડમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, ભાણેજે મામીની હત્યા કરી, પોલીસે હત્યારા ભાણેજને બિહારથી પકડી લીધો
- અનૈતિક સંબંધમાં મામી ગર્ભવતી બનતા હત્યા કરી બાળકીને સ્ટેશને મુકી બિહાર ભાગી ગયો હતો
મળતી માહિતી મુજબ ગત 22 માર્ચે ઉધના રેલ્વે યાર્ડ પાસે આવેલા ટ્રેક વચ્ચે એક મહિલાની લાશ મળી હતી. પોલીસ તપાસમાં મૃતક મહિલા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. મહિલાની હત્યા કરીને લાશ અહી ફેકી દેવાઈ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે આ કેસનો ભેદ ઉકેલવા માટે સુરત, નવસારી, વાપી વલસાડ સહિતના અલગ અલગ સ્થળોના સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. તપાસ દરમિયાન આ મહિલા બે દિવસ સુધી ઉધના રેલ્વે સ્ટેશન પર એક નાની બાળકી અને એક અજાણ્યા યુવક સાથે જોવા મળી હતી.
દરમ્યાન બીજી તરફ મહિધરપુરા પોલીસ મથકની હદમાં એક બાળકી બિન વારસી મળી આવી હતી. પોલીસ તપાસમાં આરોપી બિહાર ગયો હોવાની જાણ થતા પોલીસની ટીમે બિહાર ખાતેથી આરોપી લાલુકુમાર અજયકુમાર બિંદને ઝડપી પાડ્યો હતો. પુછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતક મહિલા તેની મામી હતી. અને તેની મામી સાથે તેના અનૈતિક સંબંધ હતા. મામી ગર્ભવતી બનતા સમાજમાં તેનું નામ ખરાબ થવાના ભયથી તેની હત્યા કરી હતી. બાદમાં 2 વર્ષની બાળકીને સુરત રેલ્વે સ્ટેશન બહાર છોડી પોતે ફરાર થઇ ગયો હતો. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.