SURAT

સુરતમાં પાડોશણો ઝઘડી, એકબીજાના વાળ ખેંચી કરી મારામારી

સુરત: મહિલાઓ પર થતાં અત્ચાચાર, છેડતી જેવા કિસ્સાઓને કાબુમાં લેવા અને મહિલાઓની સુરક્ષા માટે 181 મહિલા હેલ્પલાઈન શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ આ હેલ્પલાઈન નંબર પણ ઘણીવાર વિચિત્ર કોલ્સ આવતા હોય છે. સુરતના અડાજણ વિસ્તારમાંથી તાજેતરમાં આવો જ એક કોલ આવ્યો હતો. અહીં પાડોશમાં રહેતી બે મહિલાઓ સામાન્ય બાબતે ઝઘડી પડી હતી. વાત એટલી વણસી કે જાહેરમાં જ બંને મહિલાઓએ છુટ્ટાહાથની મારામારી કરી હતી, જેના લીધે માહોલ તંગ બન્યો હતો. બે પૈકી એક મહિલાએ 181 હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો હતો, જેથી 181ની ટીમ મદદ માટે દોડી ગઈ હતી. 181ની ટીમે બંને મહિલાઓને સમજાવટ કરી મામલો શાંત પાડ્યો હતો.

વાત એમ હતી કે અડાજણના એક એપાર્ટમેન્ટમાં રહેતી બે પાડોશણ વચ્ચે કપડાં પહેરવા મામલે ઝઘડો થયો હતો. બન્યું એવું હતું કે, એક મહિલાએ પોતાની પાડોશણની ગેરહાજરીમાં નવરાત્રિમાં અન્ય મહિલાઓ વચ્ચે એવી કોમેન્ટ કરી હતી કે ‘પેલી તો કેવા કપડાં પહેરે છે? ‘, આ વાત ગ્રુપની મહિલા પૈકી કોઈ મહિલાએ તેને જાણ કરી દીધી હતી. તેથી ગઈકાલે દશેરા બાદ ગુરુવારે પાડોશણ લડવા પહોંચી હતી. હું કેવા પણ કપડાં પહેરું તને શું? તું શું કામ મારા વિશે એલફેલ બોલે છે? એમ કહી તે લડવા પહોંચી હતી. બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વણસી કે એક મહિલાએ બીજી પર હાથ ઉગામ્યો હતો. તેથી બંને વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. તમાશો જોવા લોકો ભેગા થઈ ગયા હતા. દરમિયાન જે મહિલાએ કોમેન્ટ કરી હતી તે ગભરાઈ હતી અને 181ને ફોન કર્યો હતો.

181ના સૂત્રોએ કહ્યું કે, ગુરુવારે રાત્રે કોલ આવ્યો હતો. પાડોશણ લડી હતી. મારામારી થઈ હતી. બંને પક્ષે ભૂલ હતી. પાડોશણની ગેરહાજરીમાં તેના કપડાં વિશે કોમેન્ટ કરનારની પહેલી ભૂલ હતી. તેથી તેને આવી કોમેન્ટ નહીં કરવા સમજાવી હતી, જ્યારે ગુસ્સામાં હાથ ઉપાડનાર મહિલાને ભવિષ્યમાં આ રીતે કાયદો હાથમાં નહીં લેવા સમજાવી હતી. મામલો શાંત પડ્યો છે.

છેડતી, ગૃહકંકાસ અને પાડોશી ઝઘડાના 181 પર આવે છે કોલ
181ના સૂત્રોએ કહ્યું કે, મહિલાઓ પર થતા અત્યાચાર માટે આ હેલ્પલાઈન શરૂ કરાઈ છે, પરંતુ મહિલાઓ ઘણીવાર નાની નાની બાબતોમાં કોલ કરી દેતી હોય છે. છેડતી, દહેજ, અત્યાચાર સુધી તો ઠીક છે પરંતુ પાડોશણો લડે તો પણ 181ને જ ફોન કરે છે. અમે સમજાવટ કરી મામલો ઠાળે પાડીએ છીએ.

Most Popular

To Top