SURAT

સુરતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં જોરદાર ઉત્સાહ:

૧૧ ઉમેદવારો મેદાનમાં, સાંજે ૬ બાદ પરિણામ

સુરતમાં આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી ભારે ઉત્સાહ અને ચહલપહલ વચ્ચે શરૂ થઈ છે. છેલ્લા એક પખવાડિયાથી ચાલી રહેલા જોરદાર પ્રચાર અભિયાન બાદ આજે સવારે ૧૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સુરતમાંથી કુલ ૧૧ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે અને અંદાજે ૮૫૦૦ જેટલા મતદારો મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે. સાંજે ૬ વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે અને ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ વિજેતા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ ચૂંટણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી કાનૂની વર્તુળોમાં ભારે ચર્ચા અને ઉત્સુકતા જોવા મળી રહી હતી. ઉમેદવારો દ્વારા મતદારોને પોતાના પક્ષે વાળવા માટે છેક છેલ્લી ઘડી સુધી એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ઉમેદવારો દ્વારા બેનરો, પોસ્ટરો અને સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને સુરતના અઠવા લાઈન્સ વિસ્તારમાં ઉમેદવારોના મોટા બેનરો અને પ્રચાર સામગ્રી જોવા મળી હતી.

મતદાન શરૂ થતા જ કોર્ટ પરિસરમાં વકીલોની ભારે અવરજવર જોવા મળી હતી. મોટી સંખ્યામાં વકીલ મતદારો મતદાન માટે પહોંચ્યા હતા અને ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી અધિકારીઓ દ્વારા ખાસ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી.

કોર્ટ પરિસર તેમજ મતદાન મથક પર સુરક્ષા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે કુલ ૧૪ જેટલા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે. મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

સાંજે ૬ વાગ્યા સુધી મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મતગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્યારબાદ વિજેતા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવશે. સુરતના કાનૂની વર્તુળોમાં આ ચૂંટણીના પરિણામને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને તમામની નજર હવે સાંજે જાહેર થનારા પરિણામ પર ટકેલી છે,

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત (BCG)ની ચાલી રહેલી ચૂંટણીમાં આ વખતે માત્ર વકીલો જ નહીં, પરંતુ વિવિધ રાજકીય પક્ષોના લીગલ સેલ પણ સક્રિય રીતે મેદાનમાં ઉતર્યા છે. પોતાના સમર્થિત ઉમેદવારોને જીતાડવા માટે પક્ષોના લીગલ સેલના હોદેદારો અને કાર્યકરો સવારથી જ ફિલ્ડમાં કામે લાગી ગયા છે. મતદારો સુધી પહોંચવા અને તેમને મતદાન મથક સુધી લાવવા માટે ખાસ ગોઠવણ કરવામાં આવી રહી છે.

મતદાન પ્રક્રિયા દરમિયાન અનેક સ્થળોએ વ્યૂહાત્મક રીતે આયોજન કરવામાં આવ્યું છે. વકીલોને મતદાન મથક સુધી પહોંચાડવા માટે ખાસ ટીમો ગોઠવાઈ છે, જેથી સમર્થિત ઉમેદવારોને વધુમાં વધુ મત મળી શકે. પેનલ મુજબ મતદાન કરાવવા માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આ ચૂંટણી જંગ વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બની ગઈ છે.

આ ચૂંટણીમાં યુવા વકીલો પણ મહત્વનો મુદ્દો બની રહ્યા છે. વકીલાતના વ્યવસાયમાં નવા જોડાતા ‘યંગ લોયર્સ’ માટે આ ચૂંટણી નિર્ણાયક માનવામાં આવી રહી છે. ઘણા ઉમેદવારો દ્વારા યુવા વકીલોને આર્થિક સહાય આપવા માટે સ્ટાઈપેન્ડ શરૂ કરવાની વાત કરવામાં આવી રહી છે.

તે ઉપરાંત વકીલોની કુશળતા અને જ્ઞાનમાં વધારો થાય તે માટે ‘કન્ટિન્યુઈંગ લીગલ એજ્યુકેશન’ હેઠળ ખાસ ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ પગલાંથી નવા વકીલોને વ્યવસાયિક રીતે વધુ સક્ષમ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ ચૂંટણીને લઈને કાનૂની વર્તુળોમાં ભારે રસ અને ચર્ચા જોવા મળી રહી છે અને હવે સૌની નજર પરિણામ પર ટકેલી છે.

Most Popular

To Top