શહેરના વેસુ વીઆઈપી રોડ પર આવેલી આઈસ્ક્રીમની દુકાનમાં રિયલ ગોલ્ડના વરખવાળો આઈસ્ક્રીમ કોન મળે છે. આ કોનની કીંમત 850 રૂપિયા છે. તેની ખાસિયત એ છે કે જેમ રોજ સોનાની કિંમતમાં ફેરફાર થાય તેમ આઈસ્ક્રીમના કોનની કિંમતમાં પણ ફેરફાર થાય છે. ગુજરાતમાં સુરતમાં સૌપ્રથમ આવો સોનાનો આઈસ્ક્રીમ કોન વહેંચાઈ રહ્યો છે જેને ખાઈ પણ શકાય છે.
આ છે ગુજરાતનો સૌ પ્રથમ સોનાનો આઈસ્ક્રીમ કોન
આ શોપના દુકાનદાર આદિત્ય ગાબાણીએ સિટીપલ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ યુએસ ફરવા માટે ગયા ત્યારે તેમણે પહેલી વખત સોનાનો કોન જોયો હતો. તેના પરથી તમને સુરતમાં પણ આ કોન બનાવવાનો વિચાર આવ્યો. આ આઈસ્ક્રીમ કોન રિયલ ગોલ્ડમાંથી બનેલો ગુજરાતનો સૌ પ્રથમ આઈસ્ક્રીમ કોન છે. ગોલ્ડ આઈસ્ક્રીમ કોન બનાવવા માટે ચારકોલનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચારકોલ કોનમાં ફુડ રંગની જગ્યાએ ન્યુટ્રેલા અને ડ્રાયફ્રુટના સ્પેશ્યિલ ફ્લેવરનો ઉપયોગ કરવામાં આવે છે. જેના પર સોનાનું વરખ ચડાવવામાં આવે છે.
5 મિલિગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો
આ આઈસ્ક્રીમમાં ઉપયોગમાં લેવામાં આવતું સોનાનું વરખ રાજસ્થાનથી આવે છે. જેને એડિબલ ગોલ્ડ વરખ કહે છે. એક આઈસ્ક્રીમ કોનમાં 5 મિલિગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે. જેવી રીતે ચ્યવનપ્રાસમાં સોનાનો ઉપયોગ કરવામાં આવે છે તેવી રીતે કોનમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે ખાવાના શોખીન સુરતીઓ માટે હવે વેપારીઓ અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે, અને શાહી જીવતા સુરતીઓ માટે શાહી ભોજન પીરસી રહ્યા છે, જેમાં સૌપ્રથમ સુરતના એક નામી મીઠાઈ વિક્રેતા ગ્રુપ દ્વારા રક્ષાબંધન નિમિત્તે સોનાની મીઠાઈ વહેંચવામાં આવી હતી, જેની સુરત ઉપરાંત વિદેશમાંથી પણ નોંધનીય ડિમાન્ડ આવી હતી, સાથે જ ગયા વર્ષે ઉજવણી થયેલ ચંડી પડવો નિમિત્તે સોનાની ઘારીએ પણ સુરતીઓમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું. ત્યારે હાલ સોનાની આઈસ્ક્રીમનો કોન સુરતીઓને રોઝવે છે કે કેમ???