SURAT

સુરત જિલ્લાનાં 44 પશુ ચિકિત્સાલયોમાં માત્ર 18 જ ચિકિત્સક, આટલી જગ્યા હજી ખાલી

દેલાડ, બારડોલી : સુરત જિલ્લા પંચાયત સંચાલિત પશુ ચિકિત્સાલય અને પ્રાથમિક પશુ ચિકિત્સાલયોમાં આવતીકાલે વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણી કરાશે. પરંતુ જિલ્લામાં માત્ર માંડવીના સોલી અને મહુવાના કાની ગામે પશુ ચિકિત્સા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

  • આજે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ: જિલ્લાનાં પશુ આરોગ્ય કેન્દ્રોને જ સારવારની જરૂર
  • નાયબ પશુ નિયામકની જગ્યાએ પણ ઇનચાર્જથી ગાડું ચલાવાય છે

માંડવી અને મહુવા તાલુકાના બે સ્થળોએ પશુઓની ચિકિત્સા કરીને વિશ્વ પશુ ચિકિત્સા દિવસની ઉજવણીમાં ગણી લેવાશે. બીજી તરફ જિલ્લામાં ૫,૮૫,૩૦૩ પશુઓની સંખ્યા સરકારી દફ્તરે નોંધાયેલી છે. સુરત જિલ્લામાં ૧૯ પશુ ચિકિત્સાલય અને ૨૫ પ્રાથમિક પશુ ચિકિત્સાલય આવેલાં છે. આ ચિકિત્સાલય પૈકી ૬ પશુ ચિકિત્સક પશુ ચિકિત્સાલયોમાં અને ૧૨ પ્રાથમિક પશુ ચિકિત્સાલયમાં પશુ ચિકિત્સકો નિમણૂક કરાઈ છે. બીજી તરફ કુલ ૪૪ના મહેકમ પૈકી માત્ર ૧૮ની કુલ નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ૨૬ સ્થળોએ ચાર્જમાં રાખીને ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે.

તો કેટલીક જગ્યાએ ડ્રેસરની પણ જગ્યા ખાલી હોવાનું જાણવા મળે છે. સુરત જિલ્લાનાં ૫૪૭ ગામડાં પૈકી મોટા ભાગનાં ગામોમાં આદિવાસી વસતી ધરાવતા લોકો રહેતા હોય તેમનો મુખ્ય વ્યવસાય પશુપાલન હોય ત્યારે સુવિધાના અભાવે લોકોએ સમય અને રૂપિયા ખર્ચીને હેરાન થવું પડે છે. જિલ્લા પશુપાલન વિભાગનાં સૂત્રોનું માનવામાં આવે તો જિલ્લામાં ૫,૮૫,૩૦૩ ગાય અને ભેંસ જેવા પાલતું પશુઓની સંખ્યા સરકારી દફ્તરે નોંધાયેલી છે, ત્યારે મૂંગાં જાનવરોની વેદના તંત્રને ક્યારે સમજાશે

સરકાર દ્વારા કોઈ સુધારાના પગલા લેવાતા નથી: દશૅન નાયક
સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા દર્શન નાયકે જણાવ્યું કે અગાઉ મારા દ્વારા લેખિતમાં રજૂઆતો કરાઈ છે કોઈ સુધારાના પગલા લેવાતા નથી જિલ્લાના મોટાભાગના તાલુકાના પશુ દવાખાનાની મૃતપાય અવસ્થા ની હાલત છે કેટલાક મકાનો તો જર્જરિત છે પરંતુ સરકાર દ્વારા હજુ કોઈ પગલાં લેવાયા નથી પશુ આરોગ્ય કેન્દ્ર ટ્રાયબલ વિસ્તારના આદિવાસી પશુપાલકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે પરંતુ તે બાબતે ગંભીરતા દાખવવામાં આવે તો ને…?

જિલ્લામાં કેટલાક પશુ દવાખાનાના મકાનો જર્જરિત હાલતમાં
સુરત જિલ્લાના મોટાભાગના તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને સરકાર દ્વારા પશુ દવાખાનાના મકાનો તો બનાવ્યા પરંતુ જે પૈકીના કામરેજના ઉંભેળ, ઉમરપાડા તાલુકાના દેવરુપણ, માંડવી તાલુકાના આંબા પારડી અને બારડોલી તાલુકાના મઢી ગામે આવેલા પશુ દવાખાનાઓના મકાનો જર્જરિત હાલતમાં છે જે પૈકી કામરેજના ઉંભેળનું પશુ દવાખાનાનું બિલ્ડિંગને ધરાશાયી કરીને નવું બનાવવા દરખાસ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top