સુરત શહેરમાં આજે રાજકીય તણાવનું વાતાવરણ સર્જાયું હતું. શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો સામે કડક વિરોધ નોંધાવતા નાનપુરા સ્થિત મક્કાઈપુલ ખાતે પૂતળાદહન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો એકત્રિત થઈ કોંગ્રેસ વિરોધી સુત્રોચાર અને નારેબાજી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.ભાજપ આગેવાનોનો આક્ષેપ છે કે “ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026” જેવા વૈશ્વિક સ્તરના કાર્યક્રમમાં કોંગ્રેસ દ્વારા વિઘ્ન ઉભું કરવાનો પ્રયાસ થયો છે. તેમના જણાવ્યા મુજબ, આ સમિટ ભારતની ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તા ક્ષેત્રે વધી રહેલી ક્ષમતાનો વિશ્વ સમક્ષ પ્રદર્શન કરવાનો મહત્વનો અવસર છે. આવા પ્રસંગે દેશની વૈશ્વિક છબીને ખરડાવવાનો પ્રયાસ કરવો દેશહિત વિરુદ્ધ છે.
પ્રદર્શન દરમિયાન ભાજપના સ્થાનિક નેતાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર દેશ વિરોધી માનસિકતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા. તેઓએ જણાવ્યું કે, ભારત ઝડપથી ડિજિટલ અને ટેકનોલોજીકલ શક્તિ તરીકે આગળ વધી રહ્યું છે, ત્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો સહન નહીં કરવામાં આવે.મક્કાઈપુલ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપ કાર્યકરોએ રાહુલ ગાંધીનું પ્રતિકાત્મક પૂતળું સળગાવી વિરોધ નોંધાવ્યો. “ભારત માતા કી જય” અને “કોંગ્રેસ હાય હાય” જેવા નારાઓ સાથે માહોલ ગરમાયો હતો. થોડીવાર માટે ટ્રાફિક પર પણ અસર જોવા મળી, જોકે પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ રાખવામાં આવ્યો હતો.
શહેર ભાજપે ચેતવણી આપી છે કે જો આવા નિવેદનો અને વર્તન ચાલુ રહેશે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બીજી તરફ, કોંગ્રેસ તરફથી હજુ સુધી આ મુદ્દે સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી.સુરતના રાજકીય વર્તુળોમાં આ ઘટનાને લઈને ચર્ચા તેજ બની છે. આવનારા દિવસોમાં આ મુદ્દે રાજકીય ઘમાસાણ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.