સુરત: સત્તાના મદમાં નેતા, કોર્પોરેટરો બેફામ વર્તન કરે તેવી ઘટનાઓ તો છાશવારે બનતી હોય છે, પરંતુ સુરતમાં તો એવી સ્થિતિ છે કે અહીં કોર્પોરેટરોના સગાવ્હાલાં પણ દાદાગીરી કરે છે. સુરત મનપામાં ભાજપનું શાસન છે અને અહીં ભાજપના કોર્પોરેટરો અને તેમના સગાવ્હાલાંની ખૂબ દાદાગીરી ચાલે છે. આવી જ દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે.
સુરતના પાંડેસરા બમરોલી વિસ્તારના કોર્પોરેટર ગીતા રબારીના પુત્રોએ સુરત પાલિકાના દબાણ ખાતાના સ્ટાફને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ઘટના બની છે. આ મામલે પાલિકાના સ્ટાફે કોર્પોરેટરના પુત્રો વિરુદ્ધ પોલીસમાં અરજી પણ આપી હોવાનું જાણવા મળ્યું છે.
વાત એમ છે કે પાલિકાના દબાણ ખાતાના કર્મચારીઓની એક ટીમ પાંડેસરા બમરોલી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન કરવા પહોંચી હતી. ત્યારે ત્યાં ભાજપના મહિલા કોર્પોરેટર ગીતા રબારીના પુત્રો મેહુલ અને મયુરે પાલિકાના સ્ટાફ સાથે દાદાગીરી કરી હતી.
ડિમોલેશન અટકાવવા માટે ટીમને ઓળખાણ આપીને ધમકાવવામાં આવી હતી. બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુર રબારીએ દાદાગીરી કરી હતી. દબાણ તોડવા ગયેલી મનપાની ટીમને ભ્રષ્ટાચારના કેસમાં નાખી દેવાની ધમકી આપવામાં આવી હતી. સાથે જ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
ધમકીને લઇ મનપાની ટીમે પાંડેસરા પોલીસ મથકમાં મેહુલ વિરુદ્ધ લેખિતમાં અરજી કરી કાર્યવાહીની માંગ કરી છે. જે અનુસાર દબાણ સ્ટાફ તેમજ સિક્યુરિટી સ્ટાફ સહિતના લોકો દબાણ હટાવવા ગયા હતાં. ત્યારે ગીતાબેનના પુત્રો મયુર અને મેહૂલ દ્વારા આસપાસના રહીશોનું ટોળું ભેગું કરી હોબાળો મચાવ્યો હતો.
બાદમાં સ્ટાફ સાથે ગેરવર્તન કરી પથ્થર મારો કરવાની તથા માર મારવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ટેલિફોનિક રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. આ અંગે પાલિકાના કર્મચારીઓ દ્વારા પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે.