SURAT

સુરતમાં ભેળસેળિયાઓ બેફામ,મનપાનું ફૂડ વિભાગ નિષ્ક્રિય?

AAPનો કમિશનરને પત્ર: ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર સામે કડક કાર્યવાહી ની માંગ

સુરત શહેર તેની ખાણીપીણી માટે દેશભરમાં ઓળખ ધરાવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં નકલી અને ભેળસેળવાળા ખાદ્ય પદાર્થોના વધતા કિસ્સાઓને કારણે લોકોના આરોગ્ય પર ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું થયું છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા કલ્પેશ બારોટે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનને પત્ર લખીને ફૂડ વિભાગની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

પત્રમાં જણાવાયું છે કે છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં નકલી ઘી, ભેળસેળિયા તેલ, પનીર અને અખાદ્ય મસાલાઓના મોટા જથ્થા ઝડપાયા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ કાર્યવાહી મુખ્યત્વે સુરત પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે ખાદ્ય સુરક્ષા માટે જવાબદાર મનપાનું ફૂડ વિભાગ આ મુદ્દે ખાસ અસરકારક કામગીરી કરી રહ્યું નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.

કલ્પેશ બારોટે પત્રમાં ખાસ કરીને ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર ભાવેશ બ્રહ્મભટ્ટની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, ભેળસેળિયાઓ સામે સખત કાર્યવાહી કરવાની જવાબદારી હોવા છતાં ફૂડ વિભાગ તરફથી કોઈ મોટી કામગીરી જોવા મળી નથી. ઘણી વખત પોલીસ દરોડા પાડે ત્યારે જ ફૂડ વિભાગના અધિકારીઓ માત્ર નમૂનાઓ લેવા માટે સ્થળ પર પહોંચતા હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

આ સાથે બારોટે એવો પણ આક્ષેપ કર્યો છે કે શહેરમાં ભેળસેળનો ધંધો બેફામ બની ગયો છે, જ્યારે ફૂડ વિભાગના અધિકારીઓ મેદાનમાં સક્રિય દેખાતા નથી. તેમના મતે, જો અધિકારીઓ નિયમિત ચેકિંગ કરે અને ભેળસેળના ગેરકાયદેસર નેટવર્ક પર કડક પ્રહાર કરે તો આવા કિસ્સાઓમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે.

પત્રમાં સુરત પોલીસ અને SOGની કામગીરીની પ્રશંસા કરતા બારોટે જણાવ્યું છે કે પોલીસ પોતાના મુખ્ય કામ ઉપરાંત નાગરિકોના આરોગ્ય માટે પણ સક્રિય રીતે કામગીરી કરી રહી છે. બીજી તરફ, ફૂડ વિભાગની નિષ્ક્રિયતા ગંભીર ચિંતા ઊભી કરે છે. આ કારણે બારોટે કમિશનરને અપીલ કરી છે કે ફૂડ વિભાગની કામગીરીની તપાસ કરવામાં આવે અને જો બેદરકારી સાબિત થાય તો ચીફ ફૂડ ઇન્સ્પેક્ટર સામે યોગ્ય શિસ્તાત્મક કાર્યવાહી કરવામાં આવે, જેથી શહેરના નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનો જોખમ ઉભો ન થાય.

Most Popular

To Top