સુરતઃ હની ટ્રેપના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. મોટા ભાગના બનાવમાં યુવતીઓ યુવકોને ફસાવતી હોવાનું બહાર આવતું હોય છે, પરંતુ સુરતમાં બે યુવકોએ એક ગે યુવકને ફસાવ્યો હોવાનો બનાવ બન્યો છે.
સુરતમાં રહેતાં એક ગે યુવકે થોડા દિવસ પહેલાં ગે ડેટિંગ એપ ડાઉનલોડ કરી હતી. જે તેના જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. ગે ડેટિંગ એપ પર ગે પાર્ટનર શોધવાના ચક્કરમાં યુવક છેતરપિંડીનો શિકાર બન્યો છે. યુવકની ફરિયાદ સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી.
વરાછા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ GRINDR-NEARBY GAY DATING & CHAT નામની એપ્લિકેશન ફરિયાદી યુવકે ડાઉનલોડ કરી હતી. આ એપ પર તેનો સંપર્ક અન્ય એક ગે યુવક સાથે થયો હતો. થોડા સમય ચેટિંગ કર્યા બાદ તે યુવકે રૂબરૂ વાતચીત કરી મળવા માટે ફરિયાદી યુવકને બોલાવ્યો હતો.
પોલીસે કહ્યું કે, ફરિયાદી યુવકે ગે ડેટિંગ એપ 10 દિવસ અગાઉ જ ડાઉનલોડ કરી હતી. ફરિયાદી યુવકનો એપ પર હિતેશ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. હિતેશે ફરિયાદી યુવકને વરાછાના ઘનશ્યામ નગર ખાતે રૂમમાં મળવા બોલાવ્યો હતો. ત્યાં બન્ને વાતો કરતાં હતાં. ત્યારે રૂમ પર 3 ઈસમો ધસી આવ્યા હતા.
તે ત્રણ ઈસમોએ પૂછ્યું હતું કે, શું કરો છો. દમદાટી આપી ફરિયાદી યુવકનો મોબાઈલ તે ઈસમોએ લઈ લીધો હતો. ફરિયાદીના ગૂગલ પેનો પાસવર્ડ લઈ ફરિયાદીના મોબાઈલ ફોનના માધ્યમથી ફરિયાદીના ગૂગલ પેમાંથી 17,110 ટ્રાન્સફર કરી લીધા હતાં. બાદમાં મોબાઈલ ફોન તેને પરત આપી આ બાબતની જાણ કોઈને કરશે તો જીવતો છોડીશું નહી તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયાં હતાં.
આ મામલે યુવકે પોલીસ ફરિયાદ આપતા પોલીસે હિતેશ અને નીતિન નામના ઈસમોની ધરપકડ કરી છે. આરોપીઓએ અગાઉ કોઈ સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે કેમ તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે.