SURAT

VIDEO: સુરતમાં કિંજલ દવેના ગરબામાં ઝેરી કાળોતરો સાપ નીકળ્યો, થોડે જ દૂર પોલીસ કમિશનર બેઠાં હતાં

સુરતઃ રાજકોટ ગેમઝોનની દુર્ઘટના બાદ તંત્ર અને ગરબા આયોજકો દ્વારા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક ઓર જ છે. હજુ પણ સુરક્ષાના નામે ખોટા દાવાઓ જ થઈ રહ્યાં છે. એ વાતની સાબિતી મળી પાલના ગરબા કાર્યક્રમમાં. કિંજલ દવે સુરતમાં પાલની જે યશ્વી નવરાત્રિમાં રોજ ગરબે ઝૂમે છે ત્યાં મુખ્ય સ્ટેજ પર કાળોતરો સાપ નીકળ્યો હતો, જેના લીધે ગભરાટ ફેલાઈ ગયો હતો.

સાપ નીકળ્યો તેનાથી થોડે દૂર જ સુરત શહેરના પોલીસ કમિશનર બેઠાં હતાં. જો સાપ ખૈલેયાઓની વચ્ચે પહોંચી ગયો હોત તો ભાગદોડની સાથે મોટી દુર્ઘટના બની હોત. સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી છે, પરંતુ આયોજનમાં સુરક્ષાની ખામી ઉડીને આંખે વળગી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પાલ વિસ્તારમાં ચાલતી યશ્વી નવરાત્રિની સુરક્ષાની સામે સવાલો ઉઠી રહ્યાં છે. કિંજલ દવેના સૂર તાલમાં ચાલુ ગરબાના કાર્યક્રમમાં સાપ નીકળ્યો હતો. મેઈન સ્ટેજ ઉપર જ્યાં સુરત પોલીસ કમિશનર બેઠાં હતા ત્યાં જ સાપ નીકળ્યો હતો. સ્ટેજની સામે ખેલૈયાઓ ગરબા રમી રહ્યા હતા. જોકે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ડોમની બહાર સ્ટેન્ડ ટુ ઉપર રહેલા ફાયરના જવાનોએ જ્યાં સાપ આવ્યો હતો તે જગ્યા ઉપર આવીને સાપને ઝડપી લઈને રેસ્ક્યું કર્યો હતો. સાપને એક પ્લાસ્ટિકના ડબ્બામાં બંધ કરી દીધો હતો. આ સાપનું ઇન્ડિયન નામ કાળોતરો છે. તે ઝેરી સાપ છે. આ પ્રકારના સાપની લંબાઈ ચાર થી પાંચ ફૂટની હોય છે. હાલ તો ફાયરના જવાનો દ્વારા સાપનું સહી સલામત રેસ્કયું કરી સલામત સ્થળે છોડવાની કવાયત હાથ ધરી છે.

ફાયર અધિકારી ધર્મેશ પટેલે કહ્યું કે, આજે ફરી મોટી ઘટના ટળી છે. યશ્વી નવરાત્રિમાં કેપિસિટી કરતા વધારે ખેલૈયાઓનો ધસારો જોવા મળી રહ્યો છે. યશ્વી નવરાત્રિના આયોજકોનો મેન્ટેન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. કેપિસિટી વધારે હોવાના કારણે યશ્વી નવરાત્રિના આયોજકો મીડિયાને દૂર રાખવામાં આવી રહ્યો છે. આવનારા નવરાત્રિના દિવસોમાં હજુ કેપિસિટી કરતા સંખ્યા વધે એવી પુરે પુરી સંભાવના જોવા મળી શકે છે. મહત્વપૂર્ણ છે કે, નવરાત્રિના બીજા જ દિવસે અહિં આગનો બનાવ પણ બન્યો હતો.

Most Popular

To Top