શહેરના દિલ્હી ગેટ વિસ્તારમાં રવિવારે રાત્રે પોલીસ કર્મચારી અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. રોંગ સાઈડથી આવતા વાહન ચાલકને પોલીસ કર્મીએ લાફો મારતા બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. લોકોનો આક્ષેપ છે કે, પોલીસ કર્મી નશામાં હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.
દિલ્હી ગેટ વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર વાય. એમ. ગોહિલ સાથે સ્થાનિક લોકો માથાકૂટ કરતા જોવા મળી રહ્યા છે. આ વાયરલ વીડિયોની અંદર સ્થાનિક લોકો પોલીસ ઇન્સ્પેક્ટરને ગંદી ગંદી ગાળો આપતા પણ દેખાઈ રહ્યા છે. જેના પગલે બાઈકચાલક તેમજ તેના સાથી મિત્રોએ PI ગોહિલ સાથે માથાકૂટ કરી હતી.
આ અંગેનો વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં યુવક આક્ષેપ કરી રહ્યો છે કે, પોલીસકર્મી દારૂ પીધેલ છે અને તેણે મને લાફો માર્યો છે. મામલો ઉગ્ર બનતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે વીડિયો અને અન્ય પુરાવાઓના આધારે આ મામલે તપાસ શરૂ કરી છે.
વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે?
વાયરલ વીડિયોમાં જોય શકાય છે કે બાઈકચાલક અને અન્ય કેટલાંક યુવકો PI ગોહિલ સાથે માથૂકટ કરી રહ્યા છે. ધક્કામુક્કી થઈ રહી છે. એકબીજાને ગાળો બોલી રહ્યાં છે. વીડિયોમાં એક મહિલા અને પુરુષની હાજરી દેખાય છે. બાઈકચાલક PIને વારંવાર પૂછે છે કે, તમે મને માર્યો કેમ? અને પછી PI સાથે ધક્કામુક્કી કરવાનો પ્રયાસ કરે છે.
આ દરમિયાન PI ગોહિલ બાઈકચાલક અને તેના સાથીઓને દિલ્હી ગેટ પોલીસ ચોકી જવા માટે કહે છે. જોકે, વીડિયોમાં એ પણ દેખાય છે કે બાઈકચાલકને તેઓ પોલીસ ચોકી લઈ જવા માગે છે પરંતુ બાઇકચાલક ચાલીને જવાનું કહી ઉગ્ર બોલાચાલી કરે છે.
વિવાદ કેમ થયો?
ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર વાય. એમ. ગોહિલે રોંગ સાઈડથી આવતા બાઈકચાલકને રોક્યો હતો અને નિયમો મુજબ ચલણ ફાડવાની કાર્યવાહી શરૂ કરી હતી. એ દરમિયાન બાઈકચાલકે પીઆઈ પર આરોપ મુક્યો કે તેમણે માર માર્યો છે અને વિવાદ વધ્યો હતો. આ ઘટનાનો વીડિયો કોઈએ રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો છે.
PI નશામાં હોવાનો આક્ષેપ
બાઈકચાલક અને તેના સાથીઓ વારંવાર આરોપ લગાવી રહ્યાં છે કે, PI ગોહિલ દારૂ પીને ફરજ બજાવી રહ્યા હતા. જો કે, આ આરોપના કોઈ ઠોસ પુરાવા સામે આવ્યા નથી. ઘટનાને જોતા સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
હું નિયમોનું પાલન કરાવતો હતોઃ PI
આ મામલે PI વાય.એમ. ગોહિલે સ્પષ્ટતા આપી હતી કે, તેઓ માત્ર નિયમોનું પાલન કરાવી રહ્યા હતા. મેં બાઈકચાલકને રોકીને તેને પૂછ્યું કે, તે રોંગ સાઈડ શા માટે આવ્યો છે? જો કે, ચલણ આપવાના મુદ્દે તે ઉશ્કેરાઈ ગયો અને ગાળો આપવા લાગ્યો હતો. ત્યારબાદ મારા પર ખોટા આરોપ લગાવવાનું શરૂ કરી દીધું હતું.
