SURAT

સુરતમાં 18 મેગ્નેટિક મણકા ગળી જતાં દોઢ વર્ષની બાળકીના આંતરડામાં કાણાં પડી ગયા

સુરત: ડિંડોલીમાં દોઢ વર્ષની બાળકી 18 જેટલા મેગ્નેટિક મણકા ગળી ગઇ હતી. સ્મીમેર હોસ્પિટલમાં તેની સફળ સર્જરી કરવામાં આવી હતી.

  • મણકાં જઠરની દીવાલમાં ખૂંપી ગયા, આંતરડાની દીવાલમાં કાણાં પાડી દીધાં હતાં: ઓપન સર્જરી બાદ બાળકી સંપૂર્ણ સ્વસ્થ

પ્રાપ્ત માહિતી મુજબ, ડીંડોલીમાં શ્રમજીવી પરિવારની પુત્રી દોઢ વર્ષની અનન્યા મેગ્નેટિક મણકા ગળી ગઈ હતી. તેને ઊલટી તથા પેટમાં દુઃખાવો થતાં પરિવાર નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયો હતો. જ્યાં બે-ત્રણ દિવસની સારવાર લીધા બાદ પણ બાળકીને ઉલ્ટી તથા પેટનો દુઃખાવો બંધ થયો નહતો. તેથી પરિવારજનો વધુ સારવાર માટે 27મી ઓગસ્ટના રોજ બાળકીને સ્મીમેર હોસ્પિટલ લઈને આવ્યા હતા. જ્યાં તેણીનો પેટનો એકક્ષ-રે કઢાવતા ખબર પડી કે બાળકીના પેટમાં મણકાની માળા છે. તેથી તેણીને વધારે સારવાર માટે સર્જરી વિભાગમાં શિફ્ટ કરવામાં આવી હતી.

પ્રોફેસર ડોક્ટર હરિશ ચૌહાણે એન્ડોસ્કોપી કરીને માળા કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ માળાના મણકા જઠરની દીવાલમાં ખૂંપી ગયા હતા. જેના કારણે તાત્કાલિક ઓપન લેપ્રોટોમી, ટાંકાવાળું પેટનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું હતું. ઓપરેશન દરમિયાન જાણવા મળ્યું કે દર્દીની જીઆઈ સિસ્ટમ એક બોલની જેમ ચીપકી ગઈ હતી. જેને છૂટા પડતાં જીઆઈ સિસ્ટમમાં વિવિધ ભાગોમાં 10 કાણાં પાડેલા હતા, જ્યાં મેગ્નેટિક મણકાઓ ચોંટેલા હતા.

બાદમાં બાળકી‌નાં શરીરમાંથી 18 જેટલા મેગ્નેટિક મણકા બહાર કાઢવામાં આવ્યા. મેગનેટના લઈને આખી જીઆઈ સિસ્ટમ ચીપકીને આંતરડાની દીવાલમાં પ્રેશર નેક્રોસિસ થઈ કાણાં પડી ગયા હતા. આ તમામ કાણાનું રિપેર કરી દર્દીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. બાળકીને રવિવારે 12 દિવસ બાદ સંપૂર્ણ સારવાર આપી સ્વસ્થ હાલતમાં રજા આપવામાં આવી છે.

Most Popular

To Top