શહેરના કાપોદ્રા વિસ્તારમાં વિચિત્ર ઘટના બની છે. અહીંની પ્રભુદર્શન સોસાયટીમાં હેવાન બનેલા પડોશીએ પડોશી મહિલાના ઘરમાં ઘુસી તેને વાળથી ખેંચી ક્રુર માર માર્યો છે. બાળકોની બાબતમાં આ ઝઘડો થયો હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રભુદર્શન સોસાયટીમાં બાળકોના ઝઘડા જેવી નજીવી બાબતે બળદેવ ખતરાણી નામના ઈસમે પડોશમાં રહેતી મહિલાને વાળથી પકડીને ઘરની બહાર ખેંચી લઈ જઈ બેરહેમીથી માર માર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. લોકો યુવાનની હેવાનિયત પર ફીટકાર વરસાવી રહ્યાં છે.
વળી, પડોશી યુવકે મહિલાને સાવ સામાન્ય વાતમાં માર માર્યો હતો. બન્યું એવું હતું કે, પ્રભુ દર્શન સોસાયટી વિસ્તારમાં રમતા બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેમાં રસીલાબેન મકવાણા નામની મહિલાને બળદેવની પત્ની મયુરી ખતરાણી ઠપકો આપવા ગઈ હતી અને કહ્યું હતું કે તમારા બાળકે મારા બાળક સાથે ઝઘડો કર્યો છે.
જોકે, વાત અહીંથી અટકી નહોતી મયુરીના પતિ બળદેવ ખતરાણી ત્યાં દોડી આવ્યા હતા અને કશું બોલ્યા વિના સીધા રસીલા મકવાણાને મારવા લાગ્યા હતા. પોતાનો કાબૂ ગુમાવી મહિલાને ખરાબ રીતે વાળ ખેંચી માર માર્યો. મહિલાના હાથ ખેંચ્યા, વાળ ખેંચ્યા અને ઘરમાં ઘૂસી ઢોર માર માર્યો.
પીડિતા રસીલાબેને કહ્યું હતું કે આ વ્યક્તિ મારો પડોશી છે. આ લોકો વિશે મને વધારે ખબર નથી. મારી સાત વર્ષની દીકરીને આરોપીના પુત્રએ માર માર્યો હતો. જેથી મારા મોટા દીકરાએ તેને માર માર્યો હતો. આ વાતની જાણ આરોપીના માતાએ આરોપીને ફોન થકી કરી હતી. જેથી આરોપી કોઈપણ વાતચીત કર્યા વગર સીધો મારા ઘરે આવીને મને માર મારવા લાગ્યો હતો.
આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં રસીલાબેન મકવાણાએ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે બળદેવ ખતરાણી અને તેની પત્ની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
