SURAT

સુરતમાં હવસખોર દુકાનદારે 7 વર્ષની બાળકીને અડપલાં કર્યા, લોકોએ કોલર પકડી ફટકાર્યો

સુરતઃ એક તરફ નવરાત્રિના તહેવારમાં મા અંબેની ભક્તિ કરવામાં આવી રહી છે બીજી તરફ ગુજરાતમાં એક બાદ એક દુષ્કર્મ અને છેડતીની શરમજનક ઘટનાઓ બની રહી છે. વડોદરા બાદ સુરતના માંગરોળમાં એક સગીરાનો ગેંગરેપ થયો છે. તો બીજી તરફ સુરત શહેરના ઉધના વિસ્તારમાં 7 વર્ષની માસૂમ બાળકીની છેડતીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના ઉધના વિસ્તારમાં ન્યૂ હરિધામ સોસાયટીના કરિયાણાની દુકાને સાતેક વર્ષની બાળકી સામાન લેવા ગઈ હતી. રાત્રિના સમયે સામાન લેવા આવેલી બાળકીને જોઈ દુકાનદારના મનમાં વાસનાનો કીડો સળવળ્યો હતો. આસપાસમાં કોઈ નહીં હોય તે તકનો લાભ લઈ હવસખોર કરિયાણાના દુકાનદારે બાળકીને અડપલાં કરવાનું શરૂ કરી દીધું હતું. જેથી બાળકી ડઘાઈ ગઈ હતી. તે રડતાં રડતાં ઘર તરફ દોડી ગઈ હતી. બાળકી ખૂબ જ ડરી ગઈ હતી.

રડતાં રડતાં બાળકીને ઘરે આવેલી જોઈને માતા-પિતાએ તેણીની પૂછપરછ કરી હતી. જેમાં બાળકીએ માતા પિતાને સમગ્ર હકીકત કહી હતી. બાદમાં પરિવાર કરિયાણા સ્ટોર પર પહોંચ્યો હતો. જ્યાં દુકાન ચાલકને શટરની બહાર કાઢીને ફટકાર્યો હતો. સમગ્ર ઘટનાની જાણ ઉધના પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં કરિયાણા દુકાન ચાલકને પકડી વધુ તપાસ હાથ ધરી છે.

માંગરોળના મોટા બોરસરામાં ગેંગરેપ
સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે સામૂહિક દુષ્કર્મ ઘટના બની છે. જેમાં સગીરા પોતાના મિત્રને એકાંતમાં મળવા ગઇ હતી હતી. ત્યારે ત્રણ શખ્સો આવી પહોંચ્યા હતા અને સગીરાના મિત્રને માર મારી ત્યાંથી ભગાડી દીધો હતો. ત્યારબાદ સગીરાને અવાવરૂ જગ્યા પર લઇ જઇને સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લીધી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફંફોળવાનું શરૂ કરી દીધું છે.

Most Popular

To Top