SURAT

આખી રાત ઈ-બાઈક ચાર્જિંગમાં મુકવાની ભૂલ સુરતના પરિવારને ભારે પડી, આગ લાગતા યુવતીનું મોત

સુરત: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના બન્યા બાદ સમગ્ર રાજયમાં ફાયર સેફ્ટી મામલે તંત્ર સતત દોડી રહ્યું છે. કોમર્શિયલ કોમ્પલેક્સ, મોલ, સ્કૂલ વિગેરે જાહેર સ્થળો પર ફાયર સેફ્ટી અંગે તપાસ કરી સીલ મારવામાં આવી રહ્યાં છે, ત્યારે બીજી તરફ આજે સવારે શહેરના લિંબાયત વિસ્તારમાં એક ઈ-બાઈકના લીધે એક આખોય પરિવાર આગની ઝપેટમાં આવ્યો હતો. આ ચોંકાવનારી આગની ઘટનામાં એક 18 વર્ષની યુવતીનું મૃત્યુ થયું હતું.

શહેરના લિંબાયત વિસ્તારમાં આજે તા. 21 જૂનની સવારે ભયાનક દુર્ઘટના બની છે. અહીં વહેલી સવારે મકાનના પાછળના ભાગે સોસાયટીમાં ચાર્જિંગમાં મુકેલી ઈ-બાઈકમાં અચાનક આગ લાગી હતી. આ આગ ફેલાઈને ઘરીની અંદર સુધી ગેસ સિલિન્ડર સુધી પ્રસરી હતી. જે આગના લીધે ગેસનો બાટલો બ્લાસ્ટ થતાં દીવાલ અને દરવાજો તૂટી ગયો હતો. આ આગમાં પાંચ લોકોનો પરિવાર ઝપેટે આવ્યો હતો. ભયાનક આગમાં 18 વર્ષની યુવતી ભડથું થઈ ગઈ હતી, જ્યારે પરિવારના ચાર સભ્યો ગંભીર રીતે દાઝી ગયા હતા. તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આગ લાગી હોવાની જાણ થતાં ફાયરનો કાફલો દોડી ગયો હતો. ફાયરના સૂત્રો અનુસાર આ આગજનીની ઘટનામાં 18 વર્ષીય મહિમા દોલારામ સિરાવીનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે પરિવારના અન્ય સભ્યો તેના પિતા દોલારામ જસારામ સિરવી (ઉં.વ. 46), તેની માતા ચંપાબેન દોલારામ સિરવી (ઉં.વ. 42), ચિરાગ દોલારામ સિરવી (ઉં.વ. 8) અને દેવિકા દોલારામ સિરવી ગંભીર રીતે દાઝી ગયા છે. મૃતક મહિમા ધો. 12માં અભ્યાસ કરતી હતી. પરિવારના અન્ય સભ્યોને ફાયર વિભાગે સીડીની મદદથી રેસ્ક્યુ કર્યા હતા.

ઈવી બાઈકમાં કેમ બ્લાસ્ટ થયો?
જાણ થતાં ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ઘટના સ્થળે અને ત્યાર બાદ સ્મીમેર હોસ્પિટલમાં દોડી ગયા હતા. પાટીલે કહ્યું કે, લિંબાયતના મહારાણા પ્રતાપ ચોક પાસે આવેલી લક્ષ્મીપાર્ક સોસાયટીમાં આ ઘટના બની છે. મકાનમાં નીચે હાર્ડવેરની દુકાન અને ઉપરના બે માળમાં પરિવાર રહેતું હતું.

દુકાનની પાછળના વાડાના ભાગમાં સોસાયટીમાં ઈલેક્ટ્રિક મોપેડ ચાર્જિંગમાં મુક્યું હતું. આખી રાત ચાર્જિંગમાં રહેતા બેટરી ઓવરચાર્જ થઈ હતી તે સવારે 5.35 વાગ્યે બ્લાસ્ટ થઈ હતી. તેના લીધે આગ લાગી હતી. પરિવાર ઉપરના માળે સૂતો હતો. આગને લીધે ગેસનો બાટલો ફાટ્યો હતો જેથી આગ વધુ વકરી હતી. પાર્કિંગ બાદ નીચે દુકાન અને ઉપરના માળે રહેતા પરિવાર સુધી આગ ફેલાઈ હતી, જેમાં 18 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું.

Most Popular

To Top