સુરત: પીપલોદ પોલીસલાઈનમાં બે પોલીસકર્મીની પત્નીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં નાયબ મામલતદારનો હોદ્દો ધરાવતી એક પોલીસકર્મીની પત્નીએ, પોતાની મોટી બહેન સાથે મળી, અન્ય પોલીસકર્મીની પત્નીને માર માર્યો હતો. માત્ર 400 રૂપિયા જેવી નજીવી ઉઘરાણીના મુદ્દે ઝઘડો એટલો વણસ્યો હતો કે નાયબ મામલતદારે પોલીસકર્મીની પત્નીના કપડા ફાડી નાંખ્યા હતાં અને જાતિ વિષયક ગાળો પણ આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
- બ્યૂટી પાર્લરના બાકી 400 રૂપિયાની બબાલમાં બે પોલીસકર્મીની પત્નીઓ જોરદાર ઝઘડી પડી
- બ્યૂટી પાર્લર ચલાવતી પોલીસકર્મીની પત્ની પાસે અન્ય પોલીસકર્મીની સાળીએ મેકઅપ કરાવ્યો, જેના પૈસા ચૂકવ્યા ન હતા
- નક્કી થયેલા રૂપિયા 400ને બદલે 250 આપવા ગયા તો ઝઘડો થયો અને વાત વણસી ગઈ
- પોલીસકર્મીના જ પત્ની નાયબ મામલતદારની બહેન સાથે મળીને બ્યૂટી પાર્લર સંચાલિકાનું માથું અથાડી મારી નાખવાની ધમકી
પીપલોદ પોલીસ લાઇનમાં રહેતા વિપુલ અશોકભાઈ વાધેલા પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અને તેમની પત્ની નયનાબેન ઘરે જ બ્યુટી પાર્લર ચલાવી પરિવારને આર્થિક મદદરૂપ બને છે. ત્રણેક મહિના પહેલા નાયબ મામલતદાર પૂજાબેન ગઢવીની બહેન જ્યોતિબેન તેમની પાસે વેક્સિંગ અને આઈબ્રોનું કામ કરાવવા આવી હતી. કુલ રૂ.450નું બિલ થયું હતું, પરંતુ જ્યોતિબેન પૈસા આપ્યા વગર પૂજાબેન તમને આપી દેશે” કહીને ચાલ્યા ગયા હતા. ત્રણ મહિના સુધી ચૂકવણી ન થતાં નયનાબેને પૂજાબેનને મેસેજ કરી યાદ અપાવ્યું કે તેમની બહેનના રૂ.400 બાકી છે.
થોડા દિવસો પહેલા જયોતિબેને, નયનાબેનને માત્ર રૂ.250 આપ્યા અને કહ્યું કે બાકીના પૈસા નથી. નયનાબેન પૂરા રૂ.400 માગવા સાથે 250 રૂપિયા લેવા ઈનકાર કર્યો હતો. આ તણાવ પછી 13મી ઓગસ્ટની રાત્રે પૂજાબેન ગઢવી પોતે નયનાબેનને મળીને ઉશ્કેરાઈ ગયા.“તમને શેનો પાવર આવી ગયો છે? ફોન કેમ નથી ઉપાડતા? કહીને ઝઘડો શરૂ કર્યો ગચો.
નયનાબેને સમજાવ્યું કે પતિ ઘરે આવ્યા હોવાથી ફોન ઉપાડ્યો ન હતો, પણ વાત વધુ વણસી હતી. ઝઘડામાં પૂજાબેને નયનાબેનને અભદ્ર ભાષાપ્રયોગ સાથે ગાળો આપી, જાતિ આધારિત અપમાનજનક શબ્દો કહ્યા હતા અને કહ્યું કે “અમે તમારા ઘરે પાણી પણ ના પીએ, તમે નોકરી કરો છો એટલે માન આપીએ છીએ.”
ત્યારબાદ તેમણે નયનાબેનના વાળ પકડી દીવાલ સાથે માથું અથડાવી માર માર્યો હતો. એટલું જ નહીં, કપડાં ફાડી નાંખ્યા અને હાથમાં બચકું ભરી ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન “આજે તો તને મારી જ નાંખીશ” કહી જાહેરમાં ધમકી આપી હતી. ઘટના બાદ જ્યોતિબેને વોટ્સએપ મેસેજ મારફતે નયનાબેનને વધુ અપમાનજનક ભાષામાં ધમકી આપી. આથી પરિસ્થિતિ ગંભીર બની ગઈ.
નયનાબેને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસ બોલાવી હતી અને પતિ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. નયનાબેને આખરે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તરત જ નાયબ મામલતદાર પૂજાબેન ગઢવી અને તેમની મોટી બહેન જ્યોતિબેન સામે ભારતીય ન્યાય સંહિતા તથા અનુસૂચિત જાતિ-જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
400 રૂપિયા માટે બે પોલીકર્મીની પત્નીઓ આટલી હદે ઝઘડે? સમગ્ર પોલીસબેડામાં ચર્ચાનો વિષય
પીપલોદ પોલીસ લાઈનમાં માત્ર રૂ.400ના બાકી પેમેન્ટ મુદ્દે નાયબ મામલતદાર પૂજાબેન ગઢવી અને તેમની બહેન જયોતિબેન સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી ગઈ છે. એક પોલીસ કર્મચારીની પત્ની, કે જે ઘરે બ્યુટી પાર્લર ચલાવે છે, તેના 400 રૂપિયા ચૂકવવાના મામલે અન્ય પોલીકકર્મીની પત્ની અને તેની બહેન સાથે તીવ્ર વાદવિવાદ થયો હતો. જેમાં ગાળો, ઝપાઝપી, કપડાં ફાડવા, જાતિ વિષયક અપમાન અને જાનથી મારી નાંખવાની ધમકી સુધીની ઘટનાઓ બનતાં પીપલોદ વિસ્તાર તેમજ પોલીસ બેડામાં પણ ચર્ચાનો માહોલ જામ્યો છે.