SURAT

સુરતમાં માતાની બાજુમાં સૂતેલો 2 વર્ષનો બાળક ઉઠીને ઘરની બહાર ગયો અને મોત મળ્યું

સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારમાં 2 વર્ષના માસૂમ બાળકનું કમોત થયું છે. ભારે વરસાદના લીધે ખાડીઓ ઉભરાતા શહેરના નીચાણવાળા વિસ્તાર લિંબાયતામાં આવેલા ખાડી પૂરમાં બાળકનું મોત થયું છે. બાળકનું મોત એ રીતે થયું કે ઘટના પર કોઈને વિશ્વાસ થઈ રહ્યો નથી.

સુરત જિલ્લામાં ભારે વરસાદ પડતા સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓ છલકાઈ છે. તેના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારમાં ખાડી પૂર આવ્યું છે. પાંચ દિવસથી શહેરના નીચાણવાળા વિસ્તારો ખાડીના ગંદા પાણીના પૂરમાં ગરક થયા છે, જેમાં લિંબાયતના કમરૂનગરનો પણ સમાવેશ થાય છે. ગઈકાલે વરસાદે વિરામ લેતા પાણી ઓસરવા માંડ્યા છે, પરંતુ તે વચ્ચે એક એવી ઘટના બની છે જેને બધાને હચમચાવી મુક્યા છે.

લિંબાયતના કમરુનગરમાં ખાડી પૂરના પાણી ભરાયા હતા.ગઈકાલે રાત્રે માતા સાથે સૂતેલું બે વર્ષનું બાળક કોઈની જાણ વગર જ ઊઠીને જતું રહ્યું હતું. શોધખોળ કરતાં ઘરના ફળિયામાં ભરાયેલા ચારથી પાંચ ફૂટ પાણીમાંથી બાળક મૃત હાલતમાં મળ્યું હતું. 

પાંચ દિવસથી કમરુનગર વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરેલાં છે. આજે થોડા ઓસર્યા હોવાથી ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરેલું છે. કમરુનગર આવાસમાં નઝીમ ખાનેને બે દીકરા અને એક દીકરી છે. પૈકી સૌથી નાનો દીકરો અલ્ફાઝ ખાન માતા સાથે સૂતા બાદ જાગીને રાત્રે નીકળી ગયો હતો. થોડા સમય બાદ બાળક બાજુમાં સૂતેલું નહીં હોય પરિવારે શોધખોળ કરી હતી. દરમિયાન ઘરથી થોડે દૂર ખાડામાંથી તે મળી આવ્યો હતો.

પરિવાર બાળકને લઈને સ્મિમેર હોસ્પિટલ દોડીને પહોંચ્યું હતું. ફરજ પરના તબીબોએ બાળક મૃત્યુ પામ્યું હોવાનું જાહેર કર્યું હતું. નઝીમ ખાને કહ્યું કે, છેલ્લા પાંચ દિવસથી લાઈટ પણ જતી રહી છે. ગત રોજ સાંજે 6:45 વાગ્યા આસપાસ મારો દીકરો અલ્ફાઝ અને મારી પત્ની સૂઈ ગયાં હતાં. જો આ પાણી ન ભરાયાં હોત તો આજે મારો દીકરો જીવતો હોત. બીજા કોઈનાં સંતાનો સાથે આવી ઘટના ન બને એ માટે મારી માગ છે કે તાત્કાલિક આ મામલે કાર્યવાહી કરવામાં આવે.

Most Popular

To Top