SURAT

સુરતમાં 1 વર્ષની બાળકીએ ભૂલમાં પાણી સમજીને એસિડ પી લીધું

સુરત: સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માતા-પિતા માટે ચેતવણી રૂપ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની છે. અહીં એક વર્ષની માસૂમ બાળકી ભૂલમાં એસિડ પી ગઈ છે. એસિડ પીવાના લીધે બાળકીની સ્થિતિ ગંભીર બની છે. બાળકીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. એસિડના લીધે તેને ખૂબ બળતરા થઈ રહી હોય તે તડપી રહી છે.

  • માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
  • સુરતના લિંબાયત વિસ્તારની ઘટના
  • માતા રસોડામાં રોજા ખોલવાની તૈયારી કરતી હતી ત્યારે બાળકીએ એસિડ પી લીધું
  • બાળકીએ લગભગ 50 એમએલ એસિડ પીધું, આઈસીયુમાં સારવાર માટે ખસેડાઈ

આ ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મદીના મસ્જિદની છે. અહીં રહેતા એક પરિવારની 1 વર્ષની માસૂમ બાળક રસોડામાં રમતી વખતે ભૂલથી એસિડ ગટગટાવી ગઈ હતી. બાળકીએ એસિડ પીધું ત્યારે તેની માતા રોજા ખોલવાનો હોવાથી રસોડામાં તેની તૈયારીમાં લાગી હતી. દરમિયાન બાળકી રમતા રમતા ઘરમાં રહેલા એસિડની બોટલને પાણી સમજી પી ગઈ હતી. બાળકીને ગંભીર હાલતમાં સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
નવી સિવિલ હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર બાળકીએ લગભગ 50 એમએલ જેટલું એસિડ પી લીધુંછે. તબીબો દ્વારા બાળકીને તાત્કાલિક આઈસીયુમાં ખસેડવામાં આવી છે. બાળકીની હાલત ગંભીર છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં પાંડેસરા વિસ્તારમાં પણ આવી ઘટના બની હતી. અહીં મૂળ ઓડિશાના પરિવારની 5 વર્ષીય બાળકી ભૂલમાં વીંટી ગળી ગઈ હતી, જેના લીધે તેનો જીવ જોખમમાં મુકાયો હતો. બાળકી વીંટી ગળી ગઇ હોવાની જાણ થતાં પરિવાર ચોંકી ઊઠ્યો હતો. ચિંતામાં મુકાઈ ગયો હતો. ત્યાર બાદ પરિવાર બાળકીને લઈ તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયો હતો. એક કલાક દૂરબીનની મદદથી તબીબોને અન્નનળીમાં ફસાયેલી વીંટી બહાર કાઢવામાં સફળતા મળી હતી.

Most Popular

To Top