નવી દિલ્હી: શનિવાર એટલે કે આજે ખાસ સત્ર માટે શેરબજાર ખુલ્યું છે. શનિવાર, 18 મેના રોજ સ્પેશિયલ ટ્રેડિંગમાં શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી. સેન્સેક્સ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો અને ફરી એકવાર 74000ની સપાટી વટાવી ગયો. નિફ્ટી પણ 60 પોઈન્ટથી વધુ વધીને 22,500ની પાર પહોંચી ગયો હતો.
શનિવારે શેરબજાર બંધ રહે છે, પરંતુ આજે તેને ખાસ ટ્રેડિંગ માટે ખોલવામાં આવ્યું છે. શેરબજારમાં કોઈપણ કટોકટીનો સામનો કરવા માટેની સજ્જતા ચકાસવા માટે આ ખાસ ટ્રેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં ડેટાને પ્રાથમિકથી ડિઝાસ્ટર રિકવરી (DR) સાઇટ પર ખસેડવામાં આવે છે.
આજે બે સેશનમાં સ્પેશિયલ ટ્રેડિંગ થઈ રહ્યું છે . પ્રથમ ટ્રેડિંગ સમય સવારે 9.15-10 વાગ્યાનો હતો, જ્યારે બીજો સમય સવારે 11:30 થી બપોરે 12:30 સુધીનો રહેશે. આ સત્ર દરમિયાન તમામ સિક્યોરિટીઝની મહત્તમ કિંમત શ્રેણી કે જેના પર ફ્યુચર્સ અને ઓપ્શન્સ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે તે 5 ટકા હશે. અગાઉ, NSE અને BSEએ 2 માર્ચે સમાન ટ્રેડિંગ સત્રો યોજ્યા હતા.
આ શેરોમાં આજે અપર સર્કિટ
પ્રથમ સેશન દરમિયાન કેટલાક શેર્સમાં અપર સર્કિટ જોવા મળી હતી. તેમજ કેટલાક શેરોમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો. આજે ઝાયડસ, એચએએલ, ભારત ડાયનેમિક, બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ, ઝી એન્ટરટેઈનમેન્ટ, કોચીન શિપયાર્ડ, જીઈ શિપિંગ અને ટીટાગઢ રેલ સિસ્ટમમાં 5 ટકા સુધીનો વધારો નોંધાયો છે.
શુક્રવારના દિવસે કેવું રહ્યું હતું
શેરબજાર અગાઉ શુક્રવારના દિવસે પણ ધમધમાટ જોવા મળ્યો હતો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 253 પોઈન્ટ અથવા 0.34 ટકા વધીને 73,917.03 પર બંધ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ઈન્ડેક્સ નિફ્ટી પણ 62 પોઈન્ટ અથવા 0.28 ટકા વધીને 22,466 પોઈન્ટ પર બંધ થયો હતો.
