સુરત: સુરત (Surat) શહેરનાં વિવિધ વિસ્તારોમાં પીવાનાં પાણીના (Drinking water) પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હવે પાણી સમિતિ અધ્યક્ષ રાકેશ માળીએ ઝોનવાઈઝ મીટીંગનું (Meeting) આયોજન કર્યુ છે. જે અંતર્ગત ગુરૂવારે અઠવા ઝોનના અધિકારીઓ, તેમજ કોર્પોરેટરો સાથે મીટીંગ યોજી હતી. સુરત મહાનગર પાલિકાના (Surat Municipal Corporation) અઠવા ઝોન કચેરી ખાતે પીવાના પાણીને લગતા પ્રશ્નોની ચર્ચા કરવા માટે મળેલ પાણી સમિતિની બેઠકમાં વોર્ડ નંબર 22 ના કોર્પોરેટર (Corporator) દિપેશ પટેલએ કાંઠા વિસ્તારના ગામોમાં પીવાના પાણીની સમસ્યાને લઈને રજુઆત કરી હતી. જેથી પાણી સમિતિ અધ્યક્ષે પણ અધિકારીઓને આડે હાથે લીધા હતા. રજુઆત બાદ પાણી સમિતિના અધ્યક્ષ રાકેશભાઈ માળીએ એક સપ્તાહની અંદર તમાંમ પ્રશ્નોના નિરાકરણ કરી કાંઠા વિસ્તારમાં નિયમિત પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટેની કડક સુચના અધિકારીઓને આપી હતી.
- શહેરમાં પાણીની સમસ્યાઓ વધતા પાણી સમિતિ ચેરમેને હવે ઝોનવાઈઝ મીટિંગનું આયોજન કર્યુ
- કાંઠા વિસ્તારોમાં તાકીદે પીવાનું પાણી પુરૂ પાડો: પાણી સમિતિ અધ્યક્ષે અધિકારીઓને આડે હાથ લીધા
પાણી સમિતિની બેઠકમાં વોર્ડ નંબર 22 ના કોર્પોરેટર દિપેશ પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, કાંઠા વિસ્તારના ગામો ડુમસ, ભીમપોર, ગવિયર, મગદલ્લા તથા કાંદી ફળીયાનો સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવેશ થવાને 15 વર્ષ પુર્ણ થયા બાદ આ વિસ્તારના લોકોને આજે પણ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. કોઈ ગામમાં દિવસમાં માત્ર 45 મીનીટ થી લઈને એક કલાક સુધી જ પાણી પૂરૂ પાડવામાં આવી રહ્યુ છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતા પણ કોઈ નક્કર કામ કરવામાં આવ્યુ નથી. તેની સામે શહેરના અન્ય વિસ્તારોમાં નિયમીત પાણીનો પુરવઠો મળી રહ્યો છે. જેથી પાણી સમિતિ અધ્યક્ષે અહી તાકીદે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને સુચના આપી હતી. આવતીકાલે રાંદેર ઝોનના અધિકારીઓ સાથે પાણીની સમસ્યાઓ અંગે મીટીંગ યોજાશે તેમ જાણવામાં આવ્યું છે.