Dakshin Gujarat Main

સાયણમાં ગર્લફ્રેન્ડની બબાલમાં બાપ-દિકરા અને માતાએ ભેગા મળી યુવકને ઢોર માર માર્યો

સાયણ(Sayan) : આજકાલ કોલેજ કરતા કેટલાક યુવાનોમાં ગર્લફ્રેન્ડ (GirlFreind) રાખવાની ફેશન ચાલી રહી છે, તેમાં કોઈને વાંધો ન હોય શકે, પરંતુ ગર્લફ્રેન્ડની માહિતી રાખવાની શંકામાં સાયણ ટાઉનમાં રહેતા એક શાહ પરિવારના યુવકને તેની સોસાયટીમાં જ રહેતા પ્રજાપતિ પરિવારે શેરડીના સાંઠાની ઢોર માર મારી હોસ્પિટલ ભેગો કરી દીધો છે. આ બાબતની પોલીસ ફરીયાદનો અને કોલેજ કરતા યુવાનોના માં-બાપ માટે લાલબત્તી સમાન ચેતવણીરૂપ એક ચકચારી કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

કિસ્સાની વિગત મુજબ સાયણ ટાઉનની સાંઇ બંગ્લોઝ સોસાયટીનાં મકાન નં-એફ/48 માં મનોજ મોહનભાઈ શાહ રહી સાયણમાં ઇલેક્ટ્રોનિક દુકાન ચલાવે છે. તેનો પુત્ર વીર (ઉં.વ.20)કોસંબા ખાતેની પી.પી. સવાણી યુનિવર્સીટીના એફવાય બી.સી.એ.માં અભ્યાસ કરે છે. જયારે આ સોસાયટીના મકાન નં.એફ/51 માં અરવિંદભાઈ ધુળાભાઈ પ્રજાપતિ પરિવાર પણ રહે છે અને તેમનો પુત્ર કિર્તન પણ છેલ્લાં ત્રણ વર્ષથી કોસંબા ખાતેની આ કોલેજમાં અભ્યાસ કરે છે.

ગત તા.7 ના રોજ વીર શાહ તેના મિત્ર હેત મહેશ દેસાઇ સાથે કામરેજ મુકામે આયુષ શાહના યોગા ક્લાસીસનાં ઉદ્દઘાટનમાં ગયો હતો. ત્યાંથી આશરે સાંજે 7 કલાકનાં સુમારે હોટલમાંથી જમી પરવારીને બહાર નીકળ્યા, ત્યારે સાંઈ બંગ્લોઝ સોસાયટીમાં રહેતો કિર્તન અરવિંદભાઇ પ્રજાપતિ ત્યાં પંતગ લેવા માટે આવ્યો હતો. તે સમયે હેત સાથે કિર્તને તેની ગર્લફ્રેન્ડ બાબતે વાતચીત કર્યા બાદ છુટા પડ્યા હતા.

જો કે તે પછી વેલંજા નજીક રામવાટીકાના ગેટ પાસે વીર અને હેત બંન્ને પહોંચ્યા ત્યારે કિર્તન પ્રજાપતિએ હેતને ફોન કરી જણાવ્યું હતું કે, તું મારી ગર્લફ્રેન્ડની મેટરમાં પડતો નહીં અને પેલા વીર ઉર્ફ લક્કીને પણ કહી દેજે કે, તું મારી ગર્લફ્રેન્ડની માહિતી કાઢે છે, એ બધું બંધ કરી દેજે, નહીંતર છોલાઈ જશે અથવા ઉંચકાઈ જશે. ત્યારબાદ બંન્ને મિત્રો સાયણ ખાતે તેઓની સોસાયટીના ગેટ પાસે પહોંચ્યા, ત્યારે સોસાયટીનાં ગેટ પાસે મોટરસાયકલ લઇને ઉભેલા કિર્તન સમક્ષ વીરે ચોખવટ કરી હતી કે, તારી ગર્લફ્રેન્ડ બાબતે મને કાંઇ જ ખબર ન હોવાથી હું તારી ગર્લફ્રેન્ડની કોઈપણ વાત કરતો નથી. જેથી તે સમયે સમાધાન થતા ત્રણે છુટા પડ્યા હતા.

જો કે આ સમાધાનનાં ચાર દિવસ પછી ગત ગુરૂવાર,તા.11 ના રોજ રાત્રે ૯:૩૦ કલાકના સુમારે વીર ઉર્ફે લક્કી તેના મિત્રો મિત,હેત,વૈભવ,દર્શિલ તથા ધ્રુવ સાથે સાયણ ખાતેની મધુરમ ડેરી પાસે બેસી ગપ્પા મારી રહ્યા હતા ત્યારે ત્યાં કિર્તન પ્રજાપતિ પણ આવ્યો હતો અને ઉશ્કેરાઈ જઇ વીરને કહ્યું હતું કે,તું મારી ગર્લફ્રેન્ડ બાબતે જ વાત કરો છો? એમ કહી વીર સાથે ઝગડો કરી તેને ધિક્કા-મુક્કીનો માર માર્યો હતો.

જો કે તે સમયે કિર્તનની મમ્મી ગાયત્રીબેન ત્યાં આવી જતા સમજાવટથી બબાલ થતી અટકાવી હતી પરંતુ આશરે 5 થી 10 મિનિટના સમયગાળા વચ્ચે કિર્તન ફરી તેના પપ્પા અરવિંદભાઈ, મમ્મી ગાયત્રીબેન સાથે ત્યાં આવ્યો હતો અને તે સમયે અરવિંદ પ્રજાપતિએ લાકડી જેવા કડક શેરડીના સાંઠાથી વીર ઉર્ફે લક્કીને આડેધડ ફટકાર્યો હતો અને કિર્તન સાથે તેની મમ્મી ગાયત્રીબેને પણ વીરને ઢીક્કા-મુકકીનો માર મારી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી.

જયારે અરવિંદ પ્રજાપતિ એટલેથી ન અટકતા સોસાયટીમાં વીર શાહના ઘરે પહોંચી તેના પિતા મનોજ શાહને પણ ઘમકી આપી હતી કે, તારા છોકરાને તો હું જાનથી મારી નાંખીશ. જયારે આ બબાલમાં ઈજાગ્રસ્ત વીરને સાયણની જીવનરક્ષા હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના એક તબીબે વીરને પુરતી સારવાર આપવાના બદલે આ બબાલમાં રસ લઈ વીરને ડિસ્ચાર્જ કરી રજા આપી દીધી હોવાની રાવ વીરના પિતા મનોજ શાહે કરી રહ્યા છે. જો કે ઈજાગ્રસ્ત વીરને મોડી રાત્રે વોમિટિંગ થતા તેને વધુ સારવાર અર્થે અડાજણ, સુરત ખાતેની એક ટ્રસ્ટની હોસ્પિટલમાં ખસેડતા વીર શાહ હાલમાં હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યો છે.

આ બાબતે ઈજાગ્રસ્ત વીરના પિતા મનોજ શાહે બબાલના ઘટના સ્થળ મધુરમ ડેરીના સીસીટીવી કેમેરાની ફૂટેજના વિડીયોનો આધાર લઈ કિર્તન, તેના પિતા અરવિંદભાઈ પ્રજાપતિ અને માતા ગાયત્રીબેન વિરૂધ્ધ ઓલપાડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ત્રણે આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે સામાપક્ષના આરોપી પરિવારે પણ વીર વિરૂધ્ધ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવા અરજી આપી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top