સંતરામપુર : સંતરામપુરના સીમલીયા ગામમાં રહેતી પરિણીતાને લગ્ન જીવનના નવેક વર્ષ થવા છતાં સંતાન સુખ પ્રાપ્ત થયું નહતું. આથી, સાસુ અને પતિ તેને વારંવાર મ્હેણાં ટોણાં મારતા હોવાથી કંટાળી ઘરે કેરોસીન છાંટી આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે સંતરામપુર પોલીસે પતિ અને સાસુ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સંતરામપુરના ઉખરેલી ગામના સીમલીયાપાડા ફળીયામાં રહેતા શૈલેષ ગેંદાલભાઈ ખરાડીના બહેન સેજલના લગ્ન સંતરામપુરના સીમલીયા ગામમાં રહેતા દિનેશ રામજીભાઈ પારગી સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ 2014માં થયાં હતાં. આ લગ્ન જીવનના શરૂઆતના ચારેક વર્ષ સુધી તેમનો ઘર સંસાર સારો ચાલ્યો હતો. તે પછી સેજલબહેન રિસાઇને અમારા ઘરે આવ્યાં હતાં. તેઓ કહેતા હતાં કે, પતિ દિનેશ અવાર નવાર તારે વસ્તારમાં કોઇ બાળક નથી. જેથી મારે તને રાખવાની નથી અને તને છુટી કરી મારે બીજી પત્ની લાવવાની છે.
તેમ કહી ઝઘડો તકરાર કરતો હતો. જોકે, સેજલબહેનનો ઘર સંસાર બગડે નહીં તે માટે તેમને સમજાવી પરત તેની સાસરીમાં મોકલી આપતાં હતાં. આજથી આશરે ત્રણેક વર્ષ પહેલા સેજલ રીસાઈને ફરી પિયર આવ્યાં હતાં, તે સમયે તેમણે સાસુ સુમિત્રાબહેન તેના પતિને ચઢામણી કરે છે કે, તારી પત્નીને સંતાનમાં કોઇ બાળક નથી. તો તું તારી પત્ની સેજલબહેનને છુટી કરી દે અને બીજી પત્ની લઇ આવ તેમ કહેતા હોવાથી મારા પતિ મારી સાથે કોઇના કોઇ બહાના હેઠળ ઝઘડો તકરાર કરે છે. જેથી હું રીસાઈને ઘરે આવી છું. તેવી વાત કરી હતી.
જોકે, ગામના આગેવાનોને વચ્ચે રાખી સમાધાન કરાવ્યું હતું. આમ છતાં 17મી જૂનના રોજ ફરી ઝઘડો થયો હતો અને રિસામણે આવ્યાં હતાં. બીજા દિવસે ફરી સમાધાન કરાવી પરત સાસરિમાં મોકલી આપ્યાં હતાં. દરમિયાનમાં 20મી જૂનના રોજ સેજલબહેને સાસરીમાં જાતે કેરોસીન છાંટી સળગી આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે જાણ થતાં તુરંત શૈલેષભાઈ ખરાડી સહિતના પરિવારજનો સીમલીયા પહોંચ્યાં હતાં. આ અંગે આસપાસમાં તપાસ કરતાં સેજલબહેનને બાળક ન થતું હોવાથી તેને પતિ અને સાસુ ત્રાસ આપતા હોવાનું જાણવા મળ્યું હતું. આખરે આ અંગે શૈલેષભાઈ ખરાડીએ સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે દિનેશ રામજી પારગી અને સુમિત્રાબહેન પારગી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.