સંતરામપુર : સંતરામપુર નગર અને તાલુકાના ગામડાંઓમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. અહીં પાણીની સમસ્યા હલ માટે કડાણા બંધ આધારીત કડાણા જુથ પાણી પુરવઠા યોજના તૈયાર કરવામાં આવી હતી. પરંતુ આ આશા ઠગારી નિવડી છે.
સંતરામપુર નગરમાં પણ નગરપાલિકા દ્વારા વોટરવર્કસ યોજના હેઠળ જે પાણીપુરવઠો અપાય છે, તે પાણી આ જુથ પાણીપુરવઠા યોજના હેઠળ અપાય છે. આ પાણી ગમે તે કારણોસર નિયમિતરૂપે અને પુરતાં ફોર્સથી આવતું નથી. જેથી પાણીની ખેંચ ઉભી થઈ છે. સંતરામપુર નગરમાં દર વર્ષે ઉનાળાની શરુઆત થતાં જ નગરમાં પાણીની ખેંચ ઉભી થતી હોય છે અને તેથી મહિલાઓને પણ મુશ્કેલીમાં મુકાવું પડે છે. નગરની મહીલાઓ પાણી માટે ઘણા અને બેડા લઈને જયાં પાણી મળે ત્યાં પાણી લેવા જતાં જોવા મળે છે.
સંતરામપુર નગરમાં હાલ વોટરવર્કસ યોજના હેઠળ નગરને જે પાણીપુરવઠો અપાય છે તે ત્રણ કે ચાર દિવસના આંતરે અનિયમિત રીતે અપાઇ રહ્યો છે. નગરમાં ઊનાળામાં દર વર્ષેની જેમ આ ઉનાળામાં પણ પાણીની ખેંચ જોવા મળે છે અને નગરજનોને નિયમિતરૂપે રોજેરોજ પાણી મળતું નથી. સંતરામપુર નગરની દર ઊનાળામાં ઊભી થતી આ પાણીની તંગી દુર કરવા માટે કાયમી ધોરણે કોઈક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માગ ઉઠી છે.
કડાણા જુથ પાણીપુરવઠા યોજના હેઠળ મુળ જુના સંતરામપુર તાલુકાના જે જે ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે ગામોને આ કડાણા જુથ પાણી પુરવઠા યોજના હેઠળનું પાણી રોજેરોજ નિયમિતરૂપે મળે અને પાણીની ખેંચ ઉભી ન થાય તે માટે પાણી પુરવઠા બોર્ડ વિભાગ દ્વારા સક્રિયતા દાખવે તે જરુરી જણાય છે.