સંતરામપુર : સંતરામપુર તાલુકાના ગામડાંઓમાં સીઆઈડી ક્રાઇમના અધિકારી હોવાની ઓળખ આપી તોડપાણી કરતી ગેંગના ચાર સભ્યને પોલીસે પકડી પાડ્યાં હતાં અને તેમની પૂછપરછ માટે રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે. સંતરામપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન નવાઘરા, મોલારા, બટકવાડા સહિતના ગામોમાં કેટલાક શખસો ધાક ધમકી આપી ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના માણસો તરીકે ઓળખાણ આપી તોડપાણી કરી રહ્યાની બાતમી મળી હતી.
આ બાતમી આધારે તપાસ કરતાં આ ગેંગ મોલારા ગામે સોનીબેનના ઘરે છે. તેવી માહિતી મળી હતી. આથી. પોલીસ સોનીબેનના ઘરે જતાં પોલીસને જોતા આ ટોળકીના ઈસમો નાસવા લાગતા પોલીસે ચાર ઈસમોને પકડી પાડ્યો હતો. જોકે, એક શખસ ફરાર થઇ ગયો હતો. આ અંગે તપાસના ભાગરૂપે સોનીબહેનની પૂછપરછ કરી હતી. જેમાં સોનીબહેનને ડરાવી, ધમકાવીને પોતે ગાંધીનગર પોલીસની ઓળખ આપીને તમે દારૂનો ધંધો કરતાં હતાં અને તમારું નામ અમારી પાસે છે. કેસ ન થવા દેવો હોય તો રૂ.દસ હજારની માગણી કરી હતી.
જેમાં રકઝક બાદ રૂ.બે હજાર સોનીબહેન પાસેથી પડાવી લીધાં હતાં. આ નિવેદન આધારે પોલીસે પંકજ રમણ ડાભી (રહે. શીર, તા. સંતરામપુર), શૈલેષ ચંપકલાલ (રહે. સંજેલી, ભગતફળીયું), મુકેશ ઉકેલા મછાર (રહે.નીંનકા, ફતેપુરા), સોનીલ રામસીંગ ખાંટ (રહે.કોટા, સંજેલી)ની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં પોલીસે મોબાઇલ, રોકડ રૂ.21,230, આઈકાર્ડ, ગાડી મળી કુલ રૂ.2,02,230નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ અર્થે ચારેયના 28મી મે સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે.