દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામે એક મકાનમાં રાત્રીના સમયે આવેલ ચાર અજાણ્યા ચોર લુંટારૂઓ દ્વારા મકાનની દિવાલમાં બાકોરૂં પાડી મકાનમાં પ્રવેશ કર્યાેં હતો અને ઘરધણી સહિત પરિવારજનોને બાનમાં લઈ રોકડા રૂપીયા ૯૮,૦૦૦ અને સોનાના દાગીના મળી કુલ રૂા. ૧,૯૮,૦૦૦ની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી રાત્રીના સમયે ચોર, લુંટારૂઓ નાસી જતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ગત તા.૧૫મી ડિસેમ્બરના રોજ રળીયાતી ભુરા ગામે હોળી ફળિયામાં રહેતાં સાકીદઅલી અબ્બાસભાઈ ખરોદાવાલા અને તેમના પરિવારજનો રાત્રીના સમયે જમી પરવારી પોતાના ઘરમાં મીઠી નિંદર માણી રહ્યાં હતાં ત્યારે રાત્રીના ૧ વાગ્યાના આસપાસ ચાર જેટલા ૨૫ થી ૩૦ વર્ષની ઉંમર ધરાવતાં ચોર, લુંટારૂઓએ સાદીકઅલીના મકાનની દિવાલમાં બાકોરૂં પાડી તથા રસોડાના રૂમ નજીક આવેલ બારીના સળીયા વાંકાવાળી મકાનમાં પ્રવેશ કર્યાેં હતો. અવાજ સાંભળી સાકીદઅલી સહિત તેમના પરિવારજનો જાગી ગયાં હતાં અને તેમના તેમ બેસી ગયાં હતાં.
ચોર, લુંટારૂઓ દ્વારા ઘરમાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૯૮,૦૦૦ તથા સાકીદઅલીની પત્નિએ પહેરેલ સોનાની બંગડી કિંમત રૂા. ૭૫,૦૦૦, સોનાની વીટી કિંમત રૂા. ૨૫,૦૦૦ એમ કુલ મળી રૂા. ૧,૯૮,૦૦૦ની મત્તાની સનસનાટી ભરી લુંટ ચલાવી ચોર, લુંટારૂઓ અંધારાનો લાભ લઈ નાસી જતાં પંથકમાં મધ્યરાત્રીના સમયે ચકચાર સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આ સંબંધે સાદીકઅલી અબ્બાસભાઈ ખરોદાવાલાએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે લૂંટારૂઓએ ઘરના સભ્યોને બાનમાં લીધા હોવા છતાં આસપાસ કોઇને ખબર પડી ન હતી અને તેઓ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા.