આણંદ : પેટલાદમાં 18 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર પરિણીતાના સાસરિયાએ ત્રાસ આપી છુટાછેડા માટે દબાણ કર્યું હતું. પરિણીતાને કોઇ કારણસર ગર્ભપાત કરાવવો પડ્યો હતો, જેના કારણે તે માતા નહીં બની શકતાં વંશવેલો અટકી ગયો હોય તેમ કહી સાસરિયાએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. પેટલાદ ખાતે રહેતા પંક્તિબહેનએ 2004માં ગામના જ નીલ ઉર્ફે કૃણાલ ભુપેન્દ્ર પારેખ સાથે માતા – પિતાની વિરૂદ્ધમાં પ્રેમલગ્ન કર્યાં હતાં. તેમની સાથે સસરા ભુપેન્દ્રભાઈ અને સાસુ કોકિલાબહેન પણ રહેતા હતાં. આ લગ્ન જીવનમાં 2005માં દિકરી યેશાનો જન્મ પણ થયો હતો. પંક્તિને પિયરમાં પણ સમાધાન થતાં આવનજાવન શરૂ થઇ ગઇ હતી. જોકે, શરૂઆતના બે વર્ષ બાદ સાસરિયાઓએ વંશવેલો આગળ વધારવા માટે સંતાનમાં પુત્ર જોઇતો હોય મ્હેણાં ટોણાં મારવાનું શરૂ કરી દીધું હતું. દરમિયાનમાં 2012માં પંક્તિબહેનને ગર્ભ રહ્યો હતો.
તે સમયે પતિ, સાસુ અને સસરાએ પુત્રનો જ જન્મ થવો જોઈએ તેવો આગ્રહ રાખી સતત ત્રાસ આપવા લાગ્યાં હતાં. જેના કારણે તેમની તબિયત લથડી હતી. ડોક્ટરે સારવાર દરમિયાન ગર્ભપાતની સલાહ આપી હતી. જેથી ગર્ભપાત કરાવવો પડ્યો હતો. જોકે, તેના કારણે પંક્તિબહેન ફરી માતા નહીં બની શકે તેવું નિદાન કરતાં સાસરિયાનું વર્તન બદલાઇ ગયું હતું. તેઓ અવાર નવાર દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત વંશવેલો આગળ વધરવા માટે પુત્ર જન્મ માટે પંક્તિબહેનને પજવણી સતત ચાલુ કરી દીધી હતી. નિલ રાત્રે બીજે સુવા જતો હતો અને તે અંગે પુછતા તે યોગ્ય જવાબ આપતો નહતો. આ ઉપરાંત સાસુ – સસરા પણ તું અમારો વંશવેલો આગળ વધારી શકવાની નીથી, જેથી મારા દિકરાને બીજે પરણાવવાનો છે, તું મારા દિકરાને છુટાછેડા આપી દે તેવું જણાવી 5મી માર્ચ, 2022ના રોજ મારા પતિએ જણાવેલ કે, મારે બીજી યુવતી સાથે સંબંધ અને હું તેની સાથે રહેવા માંગું છું તું મને છુટાછેડા આપી દે. જોકે, છુટાછેડા આપવાની ના પાડતા મારઝુડ કરવા લાગ્યા હતા. આથી, 181માં જાણ કરતાં પતિ, સાસુ અને સસરા ઘર છોડી જતાં રહ્યાં હતાં. આ અંગે પેટલાદ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે કોકિલાબહેન ભુપેન્દ્રભાઈ પારેખ, ભુપેન્દ્ર મગનભાઈ પારેખ અને નીલ ઉર્ફે કૃણાલ ભુપેન્દ્ર પારેખ સામે ગુનો નોંધ્યો હતો.