સુરત: (Surat) ડિંડોલીમાં ચાર દિવસ પહેલા પાંચ વર્ષનું બાળક (Child) રમતા રમતા ગુમ થયું હતું. પરિવારે બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ક્રાઈમ બ્રાંચને તપાસ દરમિયાન બાળકના પિતાએ જ બાળકના અપહરણનું નાટક રચ્યાનું સામે આવ્યું છે. પૈસાની જરૂરીયાતને કારણે બાળકના નાના પાસે પૈસા માંગવાનો પ્લાન હતો.
ડિંડોલી વિસ્તારમાં જીજ્ઞાનગરમાં ગત 6 જુલાઈ રાત્રે તારાચંદ ઉત્તમ પાટીલનો 5 વર્ષનો દીકરો સોસાયટીમાં રમતા રમતા ગુમ થયો હતો. બાદમાં બાળકની શોધખોળ કરીને તેઓ પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવવા ગયા હતા. ડિંડોલી પોલીસની ટીમ બાળકના અપહરણની ફરિયાદ નોંધી શોધખોળના કામે લાગી હતી. પરંતુ બાળકનો કોઈ પત્તો નહી મળતા ક્રાઈમ બ્રાંચની ટીમો પણ મેદાને ઉતરી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાંચની ટીમને બાળકના પિતા ઉપર જ શંકા ગઈ હતી. જેથી બાળકના પિતાની સઘન પુછપરછ કરવામાં આવી હતી. જેમાં બાળકના પિતા ભાંગી પડતા પોતેજ પોતાના બાળકનું આપહરણ કર્યાનું તરકટ રચ્યું હોવાનું કબુલી લીધું હતું. પોતાના મિત્ર મારફતે મહારાષ્ટ્ર ખાતે મોકલી આપ્યું હતું. જેના આધારે ક્રાઈમ બ્રાંચે બાળકને શોધી કાઢ્યો હતો.
9 લાખની લોન અને પત્નીની બિમારીથી કંટાળી ગયો હતો
બાળકના પિતાની પ્રાથમિક પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે પોતાના ધંધા માટે જુદી જુદી બેકોમાંથી આશરે નવ લાખની પર્સનલ લોન લીધી હતી. કોરોનો કાળ બાદ ધંધાની દશા ખુબજ કથળાઇ ગઈ છે. અને પોતે તેમજ પોતાની પત્ની પણ સતત બીમાર રહેતી હોવાથી તેના સારવાર પાછળ પણ ખૂબ ખર્ચ થયો છે. જેથી પોતે પોતાના પિતા પાસે રહેવા જવાનું નક્કી કર્યું હતું. પરંતુ નજીકમાં તેના સાસુ-સસરા પણ રહેતા હોવાથી પત્ની રાજી નહોતી. જેથી પોતે માનસિક રીતે કંટાળી ગયો હતો.
બહેન અને મિત્ર સાથે મળી અપહરણની યોજના ઘડી
પોતાની બહેન જ્યોતિ રવિન્દ્ર ઠાકરે તથા તેના મિત્ર કરણ મનોહર વાકોડે મારફતે પોતાના દીકરાનું અપહરણની યોજના ઘડી હતી. બાળકને તેની ફોઈએ કરણને સોંપ્યો હતો. બાદમાં કરણએ રાત ભર તેના ઘરે બાળકને રાખી બીજા દિવસે સવારે નાંદુરા તા.બુલઢાણા મહારાષ્ટ્ર ખાતે મોકલી આપ્યો હતો. જેથી બાળકના અપહરણ અંગે તેની પત્ની ઉપર નિષ્કાળજીનું બહાનુ બનાવી શકે. અને તે બહાને ત્યાંથી પોતાના પિતા સાથે તેમના ઘરે રહેવા જઈ શકે.
સાતીર તારાચંદએ પોલીસને ગેરમાર્ગે દોરવા બીજુ બાળક બતાવ્યું હતું
પોલીસ જ્યારે ગુમ થયેલા બાળકની શોધખોળ કરતી હતી ત્યારે તારાચંદએ એકલા જઈ રહેલા બાળકને બતાવ્યું હતું. પહેલા એક દિવસ તો પોલીસ આ બાળકને સીસીટીવીના આધારે શોધતી હતી. જેથી પોલીસને કોઈ પગેરૂ મળ્યું નહોતું.
આરોપી બાળકને આજે સુરત લાવતા ટ્રેનમાંથી પકડી પાડ્યા
આરોપી કરણ મનોહર વાકોડેને નાંદુરબાર ખાતેથી ચાલુ ટ્રેનમાંથી બાળક સાથે ઝડપી પાડ્યા છે. બાળક 6 તારીખે રાત્રે ગુમ થયું હતું. બીજા દિવસે તેને નંદુરબાર લઈ ગયા હતા. પરંતુ ગઈકાલે મોડી રાતે કરણ બાળકને પરત સુરત લાવતો હતો. ત્યારે મળસ્કે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓ
- બાળકના પિતા તારાચંદ ઉત્તમ પાટીલ (ઉવ.૩૨, રહે. ગોર્વધન નગરભાડાના મકાનમા નવાગામ ડીંડોલી તથા મુળ બળવાણી, મધ્યપ્રદેશ)
- તારાચંદની બહેન જ્યોતિ રવિન્દ્ર ઠાકરે (ઉવ.૨૪, રહે. મહાદેવ નગર વીભાગ-૧ ડીંડોલી તથા મુળ તા.શહાદા જી.નંદુરબાર, મહારાષ્ટ્ર)
- તારાચંદનો મિત્ર કરણ મનોહર વાકોડે (ઉવ. ૨૧ ધંધો- રીક્ષા ડ્રાઇવીંગ રહે. એપેક્ષા નગર પોલીસ કોલોની પાસે પાંડેસરા તથા મુળ જલગાવ, મહારાષ્ટ્ર)