નવસારી : નવસારીમાં બે જૂથો વચ્ચે ઝઘડો થતા ચપ્પુ અને તલવાર ઉછળતા બેને ઈજા થઇ હતી. સાથે જ કારને તોડી અને બાઈકને સળગાવી નુકશાન કર્યું હતું. જેથી પોલીસે આ બાબતે બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ કુલ 11 સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારીમાં કોટ મહોલ્લામાં મોઈન અલ્લારખુ પઠાણ તેમના પરિવાર સાથે રહે છે. ગત 28મીએ મોઈન તેની બાઈક લઇ નવસારી શાકભાજી માર્કેટ તરફ જતો હતો. ત્યારે નવસારી શીવ જીમ સામે રહેતા આસિફ જાફર પઠાણે ફોન કરી જણાવ્યું હતું કે, મારી બેઠક ઉપર આવ બરકત મારી સાથે બેસેલો છે. જેથી મોઈન આસિફની બેઠક ઉપર ગયો હતો. ત્યાં જઈ મોઈને બરકત વિષે પુંછતા આસિફે જણાવ્યું હતું કે, બરકત અહિયાં નથી અને તારે જે વાત કરવી હોય તે મારી સાથે કર તેમ કહી ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો. દરમિયાન આસિફે તેની પાસે રહેલો રેમ્બો ચપ્પુ કાઢી મોઈનને ગળાના ભાગે ડાબી બાજુ મારી દેતા મોઈન લોહીલુહાણ થઇ ગયો હતો. જેથી મોઈને તેના મિત્ર ફૈઝલને ફોન કરી બોલાવતા ફૈઝલે મોઈનને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવ અંગે મોઈને નવસારી ટાઉન પોલીસ મથકે આસિફ જાફર પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે નવસારી કોટ મસ્જિદના ટેકરા પર રહેતા મોઈન પઠાણ, ગોલવાડ મોઠવાડ મહોલ્લામાં રહેતો ફૈઝલ ઉર્ફે બાબુ ચાઇનીઝ, કાગદીવાડમાં રહેતો ફૈઝલ ઉર્ફે મુર્ગી પઠાણ, ઇમરાન વાંકો, કમેલા રોડ કરિશ્મા ગાર્ડનમાં રહેતા લતીફ શાહ, મુસ્તાક શાહ, વિરાવળમાં રહેતો આશીયો અને બીજા અન્ય બેથી ત્રણ ઈસમોએ મળી હાથમાં ચપ્પુ તથા તલવારો લઈ મોઈન ડેની રેમ્બો ચપ્પુ આસિફ પઠાણના હાથની હથેળીમાં મારી દીધું હતું. તેમજ ફેઝલ ઉર્ફે બાબુ ચાઇનીઝ, ફેઝલ ઉર્ફે મુર્ગી પઠાણ અને ઇમરાન વાંકોએ આસિફ પઠાણને માર માર્યો હતો. આ સિવાય લતીફ શાહ અને મુસ્તાક શાહ તેમજ અન્ય બે-ત્રણ ઇસમોએ તલવાર તથા પથ્થરો વડે આસિફની એક્સયુવી કારમાં નુકશાન કર્યું અને પલ્સર બાઈક સળગાવી દઈ કુલ 2.40 લાખ રૂપિયાનું નુકશાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે આસિફે મોઈન પઠાણ, ફૈઝલ ઉર્ફે બાબુ ચાઇનીઝ, ફૈઝલ ઉર્ફે મુર્ગી પઠાણ, ઇમરાન વાંકો, લતીફ શાહ, મુસ્તાક શાહ, આશીયો અને બીજા અન્ય બેથી ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ કુલ કુલ 11 સામે ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. સી.એસ. ઠુમ્મરે હાથ ધરી છે.