નડિયાદ: નડિયાદના રીંગરોડ પર મોબાઇલ પર વાત કરી રહેલા યુવક પાસે આવેલા ત્રણ તાંત્રિક સવા લાખની વિંટી લુંટી ફરાર થઇ ગયાં હતાં. નડિયાદ રેલ્વેસ્ટેશન પાછળ આવેલ અશોકનગર વિસ્તારમાં રહેતાં ૨૨ વર્ષીય જીગરભાઈ ચંદુભાઈ પટેલ કમળા ચોકડી નજીક લાકડાનું પીઠું ધરાવે છે. આ તદુપરાંત મોબાઈલ લે-વેચનો પણ ધંધો કરે છે. ગત તા.૨૫-૭-૨૧ ના રોજ બપોરના જીગર પટેલ રીંગરોડ પર આવેલી કેનાલ નજીક એક્સપ્રેસ હાઈવે પરના ઢાળ પાસેથી પસાર થતો હતો તે સમયે મિત્રનો ફોન આવતાં તે રોડની સાઈડમાં ગાડી ઉભી રાખી વાત કરી રહ્યો હતો. તે વખતે ત્યાંથી પસાર થતી વડોદરા પાર્સીગની ગાડી જીગર પટેલની ગાડી પાસે આવીને ઉભી રહી હતી.
આ ગાડીમાં સવાર તાંત્રિક જેવા લાગતાં 3 અજાણ્યાં ઈસમોએ જીગરને સંતરામ મંદિર તરફ જવાનો માર્ગ પુછ્યો હતો. જેથી જીગરે માર્ગ બતાવ્યો હતો. જે બાદ તાંત્રિક જેવા લાગતાં અજાણ્યાં ઈસમોએ ચા પીવા માટે જીગર પાસે રૂપિયાની માંગણી કરી હતી. જેથી જીગરે ૧૦૦ રૂપિયાની નોટ આપવા હાથ ગાડીમાંથી બહાર કાઢ્યો અને તાંત્રિક જેવા લાગતાં ત્રણ ઈસમો પૈકી એકએ જીગરનો હાથ પકડી આંગળીમાંથી રૂ.૧.૨૫ લાખની ગુરૂના નંગવાળી સોનાની દોઢ તોલાની વીંટી કાઢી લીધી હતી. બાદમાં જીગરને ધક્કો મારી ત્રણેય ફરાર થઈ ગયાં હતાં.
આ બનાવના એક અઠવાડિયા બાદ જીગરભાઈ ચંદુભાઈ પટેલે નડિયાદ ટાઉન પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસમાં લુંટ કરી ફરાર થયેલાં ત્રણેય ઈસમો ૨૫ થી ૩૫ વર્ષના આશરાના હતાં. આ ત્રણેય ઈસમોએ ગળામાં માળા તેમજ સાલ ઓઢેલી હતી.