નડિયાદ: નડિયાદમાં રહેતાં એક દંપતિએ પોતાનું મકાન વેચ્યાં બાદ પણ તેની ઉપર કબ્જો જમાવી રાખ્યો હતો. મકાન ખરીદનાર વૃધ્ધાની વારંવારની આજીજી બાદ પણ આ દંપતિ મકાનનો કબ્જો છોડતાં ન હતાં. જેથી આખરે વૃધ્ધાએ જિલ્લા કલેક્ટરમાં અરજી કરી હતી. જેની તપાસમાં દંપતિએ ગેરકાયદેસર રીતે મકાનમાં કબ્જો જમાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે દંપતિ સામે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ શહેરમાં મરીડા રોડ પર આવેલ આયેશાપાર્ક સોસાયટીમાં રહેતાં 65 વર્ષીય નજમાબેન હબીબભાઈ વ્હોરાએ સન 2018ની સાલમાં શહેરના અમદાવાદી દરવાજા બહાર આવેલ નુતનનગર સોસાયટીમાં સીટી સર્વે નં.1666 વાળું મકાન સીમાબેન ઈમરાનભાઈ પાયા પાસેથી 6 લાખ રૂપિયામાં રોકડેથી ખરીદ્યું હતું અને તેનો વેચાણ દસ્તાવેજ પણ કરાવ્યો હતો. જે બાદ સીમાબેન અને તેમના પતિ ઈમરાનભાઈએ અમારે બીજુ મકાન વેચાણ લેવાનું છે, બીજુ મકાન ન મળે ત્યાં સુધી તમારી મિલ્કતમાં અમે રહીશું, મકાન મળી ગયાં બાદ તમારી મિલ્કત ખાલી કરી દઈશું તેવી બાંહેધરી નજમાબેનને આપી હતી. જેથી નજમાબેને માનવતાની દ્દષ્ટિએ પોતે ખરીદેલાં મકાનમાં સીમાબેન અને તેમના પતિ ઈમરાનભાઈને થોડા મહિનાઓ માટે રહેવાની અનુમતિ આપી હતી.
જોકે, ત્રણ મહિના બાદ પણ પાયા દંપતિએ નવું મકાન ખરીદ્યું ન હતું અને બીજી બાજુ આ મકાનનો કબ્જો પણ ખાલી કર્યો ન હતો. જેથી સીમાબેને તેઓને વહેલીતકે મકાન ખાલી કરવા જણાવ્યું હતું. પરંતુ, વારંવાર જાણ કરવા છતાં પણ પાયા દંપતિએ આ મકાન પચાવી પાડવાના ઈરાદે ખાલી કરતાં ન હતાં. જેથી નજમાબેને આ મામલે ખેડા જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા નિમાયેલી સમિતીએ આ અરજીની તપાસ કરતાં પાયા દંપતિ વિરૂધ્ધ લેન્ડગ્રેબીંગનો ગુનો બનતો હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી કલેક્ટરે આ મામલે પોલીસમાં ફરીયાદ આપવાનો હુકમ કર્યો હતો. આ હુકમને આધારે નજમાબેને નડિયાદ ટાઉન પોલીસમથકમાં સીમાબેન અને ઈમરાનભાઈ પાયા વિરૂધ્ધ ફરીયાદ આપતાં, પોલીસે દંપતિ વિરૂધ્ધ લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.