મેરઠઃ મેરઠના કાંકર ખેડા વિસ્તારમાં બે મહિલાઓએ પેટ્રોલ નાંખી પાંચ ગલુડિયાઓને સળગાવી મારી નાંખ્યા છે. મેરઠની એનિમલ કેર સોસાયટીએ આ ઘટના અંગે પોલીસને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ ગલુડિયાઓને જમીનમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
આ મામલો મેરઠના કાંકર ખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના સંત નગર, રોહતા રોડ, ખડૌલીનો છે. મહિલાઓ પર આરોપ છે કે ગઈ તા. 5 તારીખે આ જ વિસ્તારની બે મહિલાઓએ પાંચ ગલુડિયાઓ પર પેટ્રોલ નાંખીને જીવતા સળગાવીને હત્યા કરી દીધી હતી.
મેરઠના રહેવાસી એનિમલ કેર સોસાયટીના સેક્રેટરી અંશુમાલી વશિષ્ઠે આ અંગે પોલીસમાં ફરિયાદ કરી હતી. અંશુમાલીએ પત્રકારને જણાવ્યું કે કોલોનીમાં રહેતી બે મહિલાઓ શોભા અને આરતી જેઓ દેરાણી અને જેઠાણી છે, તેઓએ આ કૃત્ય આચર્યું છે.
અંશુમાલીએ જણાવ્યું કે કોલોનીમાં એક માદા કૂતરીએ ગઈ તા. 2જી નવેમ્બરે 5 ગલુડિયાને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ 5મી નવેમ્બરે આ વિસ્તારમાં રહેતી બે મહિલાઓએ ગલુડિયાઓ પર પેટ્રોલ છાંટીને તેમને જીવતા સળગાવી દીધા હતા. જ્યારે આસપાસના રહીશોએ વિરોધ કર્યો તો બંને મહિલાઓએ ઝઘડો કર્યો હતો. કોલોનીના લોકોએ 112 પર ફોન કરી પોલીસને બોલાવી હતી. પોલીસ પણ આવીને પાછી ચાલી ગઈ હતી.
જ્યારે કોઈ કાર્યવાહી ન થઈ ત્યારે અંશુમાલી કેટલાંક ટ્રેડ યુનિયનના નેતાઓ સાથે મેરઠના કાંકર ખેડા પોલીસ સ્ટેશન પહોંચી અને શુક્રવારે ફરીથી આ મામલે પોલીસને ફરિયાદ કરી. આ કેસમાં હવે બંને મહિલા શોભા અને આરતી વિરુદ્ધ પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.
બંને મહિલાઓ સામે કાંકર ખેડા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 325 હેઠળ પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતાનો કેસ નોંધવામાં આવ્યો છે. ગલુડિયાઓને પણ જમીનમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામને ફરીથી માટીમાં દાટી દેવામાં આવ્યા હતા.
શુક્રવારે આ મામલે વેપારી મંડળ એનિમલ કેર સોસાયટીના સભ્યો સાથે કાંકર ખેડા પોલીસ મથકે પહોંચ્યા હતા. સોસાયટીના પ્રમુખ જીતુ નાગપાલે કહ્યું કે આરોપી મહિલાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ અને તેમને જેલમાં મોકલવા જોઈએ.
આ મામલામાં મેરઠના એસપી સિટી આયુષ વિક્રમે જણાવ્યું કે આ મામલામાં ફરિયાદ મળ્યા બાદ ગલુડિયાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે અને આપેલી ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે જેમાં બે મહિલાઓના નામ સામે આવ્યા છે. પરંતુ આગળની કાર્યવાહી કરવામાં આવશે.