સુરત: શૈક્ષણિક પ્રવૃત્તિને બદલે નર્મદ યુનિ.ની કેમ્પસની 1.80 લાખ ચો.મી. જમીન રૂપિયા 62.50 લાખમાં ટેન્ડરિંગ વિના બારોબાર પરેશ ખંડેલવાલની યશ્વી ફાઉન્ડેશનને નવરાત્રિ માટે આપી દેવાના પ્રકરણમાં કુલપતિ અને યશ્વી ફાઉન્ડેશને બંધ બારણે જ ‘ગરબા’ કરી લીધા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે. યુનિ.ની આ જગ્યા પહેલેથી જ યશ્વી ફાઉન્ડેશનને આપી દેવાનો ખેલ કુલપતિ દ્વારા રચવામાં આવ્યો હતો. આ માટે માર્ચ માસમાં જ ‘ખેલ’ થઈ ગયો હતો.
- કુલપતિએ પહેલેથી જ ગ્રાઉન્ડ ભાડે આપવા માટે નક્કી કરી લીધું હોય તેમ માર્ચ માસમાં પોલિસી ઘડવામાં આવી!
- અને એપ્રિલ માસમાં યશ્વી ફાઉન્ડેશન પાસે અરજી મંગાવીને તેને બારોબાર ગ્રાઉન્ડ આપી પણ દેવામાં આવ્યું!
- કુલપતિએ એવો લૂલો બચાવ કર્યો કે, યુનિ.ને નાણાંની જરૂર છે, પણ ટેન્ડરિંગ કેમ કર્યું નહીં તેનો કોઈ જ ખુલાસો કર્યો નહીં
માર્ચ માસમાં જ આ માટે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં પોલિસી નક્કી કરવામાં આવી હતી અને બાદમાં એપ્રિલ માસમાં તો યશ્વી ફાઉન્ડેશન અને તેના પરેશ ખંડેલવાલે ગ્રાઉન્ડ ભાડે લેવા માટે અરજી પણ કરી દીધી હતી. અને બારોબાર તેને મંજૂરી પણ આપી દેવામાં આવી. જ્યાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના એજન્ડાની કોઈને જાણ થતી નથી ત્યાં આ પોલિસીની બારોબાર યશ્વી ફાઉન્ડેશનને કેવી રીતે જાણ થઈ તે મોટો પ્રશ્ન છે. આ ‘ખેલ’માં યુનિ.ના કારભારીઓએ મોટો કડદો કર્યો છે અને પવિત્ર ગરબાના નામે ‘નાચ-ગાન સાથે ઠુમકા મારવા’ માટે જમીન ભાડે આપી દીધી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.
આ સમગ્ર પ્રક્રિયામાં કુલપતિ કે.એન. ચાવડાની ભૂમિકા સામે અનેક સવાલો ઉભા થાય છે. સામાન્ય રીતે સરકારી સંપત્તિ વેચાણ કે ભાડે આપવા માટે જાહેર ટેન્ડર, નોટિફિકેશન અને સ્પષ્ટ એસઓપીનું પાલન કરવું ફરજિયાત હોય છે, પરંતુ અહીં નવી SOP તૈયાર કરી, તાત્કાલિક કમિટી બનાવી, તેનું મંજૂરીપત્ર પણ ઘડાઈ ગયું.
આખો ખેલ બહાર પડી ગયા બાદ કુલપતિ કે.એન. ચાવડા દ્વારા એવો લુલો બચાવ કરાયો હતો કે, રાજ્ય સરકાર તરફથી પૂરતી ગ્રાન્ટ મળતી નથી, એટલે આવા ખર્ચા માટે ગ્રાઉન્ડ ભાડે આપવાની ફરજ પડે છે. જોકે, ચાવડા એ જણાવી શક્યા નથી કે નાણાં ઊભા કરવા જ હતા તો ટેન્ડરિંગ કેમ કર્યું નહીં? શા માટે યશ્વી ફાઉન્ડેશન અને પરેશ ખંડેલવાલ સાથે ‘કુલડીમાં ગોળ ભાંગવામાં આવ્યો’?
યુનિ.નું ગ્રાઉન્ડ એકમાત્ર યશ્વી ફાઉન્ડેશનને બારોબાર આપી દેવા માટે કેવા ‘ખેલ’ ખેલાયા ?
- 08-03-2025ના રોજ એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં એક્ઝિબિશન ગ્રાઉન્ડ ભાડે આપવા માટે નીતિ-નિયમોને મંજૂરી આપવામાં આવી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટને ભલામણ કરાઈ.
- 16-03-2025ના રોજ ભલામણને બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી.
- 14-04-2025ના રોજ યશ્વી એન્ટરટેનમેન્ટ દ્વારા ગ્રાઉન્ડ ભાડે લેવા અરજી કરવામાં આવી હતી. અને તેના પર એક્ઝિક્યુટિવ કાઉન્સિલને ભલામણ કરવામાં આવી.
- 10-05-2025ના રોજ બિલ્ડિંગ વર્ક્સ કમિટી દ્વારા ભલામણને મંજૂરી આપવામાં આવી.
- 14-05-2025ના રોજ બોર્ડ ઓફ મેનેજમેન્ટે ભલામણને સંપૂર્ણ સ્વીકાર કરી મંજૂરી આપી દીધી.
અનેક પ્રકારની શંકા ઉપજાવતા મુદ્દાઓ
- કેમ માત્ર કેમ માત્ર યશ્વી એન્ટરટેનમેન્ટને આમંત્રણ આપીને ગ્રાઉન્ડ આપવામાં આવ્યું?
- જાહેર ટેન્ડર કે ઓપન ઓફર કેમ નહોતું કરાયું?
- એસઓપી બનાવી અને મંજૂરીની પ્રક્રિયા કેમ હડબડીમાં પુરી કરાઈ?
- નીતિ અને SOP પહેલા બનાવવામાં આવી કે અરજી પછી?
- સરકારી યુનિવર્સિટીની સંપત્તિ માત્ર ઇવેન્ટ માટે ભાડે આપવી ક્યાં સુધી યોગ્ય?
યુનિવર્સિટી કેમ્પસમાં જ ગણગણાટ આ પ્રકારના નિર્ણય યુનિવર્સિટી માટે લાંછનરૂપ
યુનિવર્સિટી કેમ્પસના તથા શિક્ષણ જગતના કેટલાક વિદોનું માનવું છે કે, આવા એકતરફી નિર્ણય યુનિવર્સિટીની નિષ્ઠા, પારદર્શિતા અને નીતિગત વ્યવસ્થા ઉપર લાંછલરૂપ છે. યુનિવર્સિટીની સરકારી જમીન આ રીતે નવરાત્રિ માટે ભાડે કેમ આપવી પડે તે જ મોટો સવાલ છે. યુનિવર્સિટીને 100 કરોડની ગ્રાન્ટ આ વર્ષે ફાળવવામાં આવી છે. તેમ છતાં યુનિવર્સિટીને કયા ખર્ચ પુરા કરવા માટે સરકારી જમીન નવરાત્રિ માટે ભાડે આપવી પડી છે?
યશ્વી ફાઉન્ડેશનને જમીન ભાડે આપવામાં યુનિ. જમીન ગુમાવે તો નવાઈ નહીં!
કુલપતિની લાલચમાં યુનિવર્સિટીને મોટું નુકશાન થવાની શક્યતા ઉભી થઈ છે. આ જમીન જે તે સમયે યુનિવર્સિટી માટે એકેડેમિક હેતુ માટે ખેડુતો પાસેથી સંપાદન કરી હતી. પરંતુ હવે કુલપતિ લાલચમાં આ જમીનને વાણિજ્ય હેતુ ભાડે આપી રહ્યા છે. નવરાત્રિ જેવી ઇવેન્ટ કરવા જમીન ભાડે આપ્યા બાદ મુળ ખેડૂતોમાં આક્રોશ પેદા થઈ રહ્યો છે. જેથી તેઓ આ જમીન શરતભંગનો કેસ કરવા માટે કલેક્ટરમાં અરજી કરવાની તૈયારીઓ શરૂ કરી છે.
નર્મદ યુનિ.નું આ બોર્ડ ઓફ મેનેજમેન્ટ કે ‘બોર્ડ ઓફ સેટલમેન્ટ’ ?
બોર્ડ ઓફ મેનેજમેન્ટની મળતી મીટિંગો અને તેમા લેવાતા નિર્ણયો ગુપ્ત રાખવામાં આવે છે. આ મીટિંગની વિગતો કે મિનિટ્સ વેબસાઈટ ઉપર મુકાતા નથી કે ક્યાંય જાહેર પણ થતા નથી. યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં આ નિર્ણય લેવાયો હતો. જેની કોઈ પણ પ્રકારની માહિતી જાહેર કરવામાં આવી નહોતી. જોકે ગઈકાલે સોશિયલ મીડિયાના માધ્યમથી આ માહિતી બહાર આવી છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા આવા કેટલાયે શંકાસ્પદ નિર્ણય યુનિવર્સિટીને નુકશાન કરે અને જે તેમના વ્યક્તિગત ફાયદા માટે લેવાતા હોય. આ અંગે પણ સરકાર ઉચ્ચસ્તરિય તપાસ થવા જોઈએ.
ગ્રાઉન્ડ ભાડે આપવા માટે બીઓએમમાં લેવાયેલા નિર્ણયની યશ્વી એન્ટરટેનમેન્ટને ખબર કઈ રીતે પડી તે મોટો પ્રશ્ન ?
બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ગ્રાઉન્ડ ભાડે આપવા માટે લેવાયેલા નિર્ણયની વેબસાઈટ કે ક્યાય પણ જાહેરાત નહોતી થઈ. ત્યારે માત્ર યશ્વી એન્ટરટેનમેન્ટને જ કઈ રીતે ખબર પડી? તેમાયે ફક્ત એક દિવસની અંદર (16 માર્ચે) બોર્ડ ઓફ મેનેજમેન્ટે આ ભલામણને મંજૂરી આપી દીધી. ખાસ બાબત એ છે કે માત્ર યશ્વી એન્ટરટેનમેન્ટ નામની પાર્ટીએ 14 એપ્રિલે અરજી કરી અને તેને તાત્કાલિક ભલામણ મળી ગઈ. ત્યારબાદ 10 મેના રોજ બિલ્ડિંગ વર્ક્સ કમિટી અને 14 મેના રોજ બોર્ડ ઓફ મેનેજમેન્ટે આ મંજૂરીને આખરી સ્વીકૃતિ આપી દીધી.
નર્મદ યુનિ.ના ‘સેટલમેન્ટ’ મેનેજમેન્ટએ ગ્રાઉન્ડ યશ્વી ફાઉન્ડેશનને આપવા માટે બે મહિનામાં જ આખો ખેલ કરી દીધો
આ રીતે સંપૂર્ણ પ્રક્રિયા માત્ર 2 મહિનાના સમયમાં પુરી થઇ ગઈ. જેમાં નીતિ ઘડવામાં આવી, SOP તૈયાર કરાયો, સમિતિઓએ મંજૂરી આપી અને અંતે ફાઈનલ ઓકે પણ મળી ગયો. આ કાર્યવાહીથી એ શંકા ઊભી થઈ રહી છે કે આખી વ્યવસ્થા માત્ર એક નિશ્ચિત પાર્ટી યશ્વી એન્ટરટેનમેન્ટને લાભ આપવા માટે કરવામાં આવી હતી.