ગુજરાતના અનેક શહેરોમાં વાતાવરણમાં પલટો, ઝડપી પવન સાથે કેટલીક જગ્યાએ વરસાદ વરસ્યો

ગુજરાત: પાકિસ્તાન પરથી સરકીને આવેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા સાયકલોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ છેલ્લા ૩ દિવસથી હવામાનમાં ગુજરાતમાં (Gujarat) વાતાવરણમાં (Atmosphere) પલ્ટાનો માહોલ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક શહેરોમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને આ સાથે જ દ્વારકાના દરિયામાં 8થી10 ફૂંટ ઉંચા મોજા ઉછળ્યા હતા. કમોસમી વરસાદના (rain) કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આજે રાજયમાં ૯ તાલુકાઓમાં માવઠું થયુ હતું. આગામી ૨૪ કલાક સુધી રાજયમાં આ સિસ્ટમની અસર રહેશે. તે પછી રાજયમાં ત્રણ દિવસ માટે ઠંડીનો પારો ૬ ડિગ્રી સુધી નીચે ગગડી શકે છે.

સમગ્ર રાજ્યમાં હવામાનની અસર જોવા મળી રહી છે. વાદળછાયું વાતાવરણ વચ્ચે આજે પાવાગઢમાં (Pavagadh) હિલ સ્ટેશન (Hill Station) જેવો માહોલ જોવા મળ્યો હતો. ચારે તરફ વાદળો વચ્ચે ઘેરાયેલા પાવાગઢ ડુંગરનું મોહક દ્રશ્ય સામે આવ્યું હતું. તેમજ દ્વારકાના દરિયામાં પણ પવન ફૂંકાવાને કારણે 8થી 10 ફૂંટ ઉંચા મોજા ઉછળ્યા હતા. આ સાથે સુરત,પંચમહાલ,છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે ઠંડો પવન ફૂંકાયો હતો. તો કેટલાક ઉંચાણવાળા વિસ્તારમાં હળવો વરસાદ પણ વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યના વાતાવરણમાં આવતા ફેરફારથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.

બનસાકાંઠાના અંબાજી અને ડીસા બાદ આજે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ધરમપુર અને કપરાડાના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વધુ નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. માવઠાના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ
હવામાન વિભાગે વાતાવરણના પગલે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. આગામી 23થી 26 જાન્યુઆરી સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. દરિયા કિનારે 40-50 કીમીની ઝડપે પવન ફુંકાવવાની શકયાતાઓ છે સાથે સરેરાશ 3થી 3.50 મીટર ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતાઓ છે. સાવચેતીના ભાગ રૂપે તંત્રએ દરિયાકાંઠા વિસ્તારોને અલર્ટ કરી દીધા છે તેમજ ઓખા અને સલાયા બંદર પર પણ માછીમારોને આગાહ કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર તા. 24મી સુધી અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, નવસારી સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાંની અસર રહશે. આ સાથે જ ગુજરાતના દરિયામાં 40 થી 50 કિ.મી.ની તીવ્ર ઝડપ સુધી પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે જેના કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચનો કરવામાં આવ્યા છે.  

આજે દિવસ દરમ્યાન હવામાન વિભાગ દ્વ્રારા ધૂળની ડમ્મરી સાથે સૌરાષ્ટ્રમાં તોફાની પવન ફૂંકાવવાની ચેતવણી ઈશ્યુ કરાઈ હતી. આજે સવારથી ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના પગલે શીત લહેરની પણ અસર જોવા મળી હતી રાજયમાં આજે દિવસ દરમ્યાન ૯ તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં છોટા ઉદેપુરના શંખેડામાં ૯ મીમી, જામનગરના ધ્રોલમાં ૯ મીમી, છોટા ઉદેપુરમાં ૪ મીમી, ડભોઈમાં ૪ મીમી, કરજણમાં ૨ મીમી, સુરેન્દ્રનગરના ચુડામાં ૨ મીમી , બોડેલીમાં ૧ મીમી , લીંબડીમાં ૧ મીમી અને થાનગઢમાં ૧ મીમી વરસાદ થયો હતો.

Most Popular

To Top