મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાજપ, શિવશેના (એકનાથ શિંદે) અને એનસીપી (અજિત પવાર)ના ગઠબંધન મહાયુતિની મહાજીત થઈ ત્યાર બાદથી રાજ્યના મુખ્યમંત્રી પદ માટે સસ્પેન્સ સર્જાયું છે. કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદે જ ફરી રાજ્યની ધુરા સંભાળશે કે પછી ભાજપના કોઈ નેતાને જવાબદારી સોંપવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લઈ શકાયો નથી. અજિત પવાર બાદ એકનાથ શિંદે ભાજપના મોવડી મંડળ દ્વારા જે નિર્ણય લેવાય તેને સ્વીકારશે તેવું જાહેર કરી દીધું છે તેમ છતાં હજુ સુધી ભાજપ તરફથી કોઈ નામ જાહેર કરાયું નથી.
આજે ભાજપના બે શિર્ષ નેતા નિર્મલા સીતારમણ અને વિજય રૂપાણી મુંબઈ પહોંચ્યા છે. આ બંને નેતાઓની અધ્યક્ષતામાં મિટિંગોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે એક નવું અપડેટ સામે આવ્યું છે. આગામી તા. 5 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી શપથ લેશે. તારીખ અને સ્થળ નક્કી થઈ ગયા છે.
મુંબઈના આઝાદ મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. મહારાષ્ટ્રમાં આ વખતે એક મુખ્ય મંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. 5 ડિસેમ્બરે કુલ 3 મંત્રી જ શપથ લેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી પણ સંભાવના છે.
આ પહેલા ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. ભાજપે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને પૂર્વ સીએમ વિજય રૂપાણીને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા છે. બંને નિરીક્ષકો મુંબઈ જઈને મહાયુતિના નેતાઓ સાથે બેઠક કરશે. જે બાદ ધારાસભ્ય દળની બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
આ પહેલા મહાયુતિના ત્રણ નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવાર મુંબઈમાં બેઠક કરશે અને નવા મુખ્યમંત્રી અને મંત્રીમંડળની ફોર્મ્યુલા પર સહમત થશે. જો કે કાર્યકારી સીએમ એકનાથ શિંદેની તબિયત હજુ પણ ખરાબ છે. જેના કારણે સભાઓ સતત સ્થગિત કરવામાં આવી રહી છે. શિંદે કેટલાક ટેસ્ટ કરાવવા માટે હોસ્પિટલમાં જઈ રહ્યા છે. તે તાવથી પીડાઈ રહ્યાં છે.