ભારત એવો દેશ છે કે જ્યાં સંવેદના મરી પરવારી છે. જેની જે જવાબદારી હોય તેમાં ધ્યાન આપવામાં આવતું નથી અને તેનો ભોગ નિર્દોષ બની રહ્યા છે. ચાર માસ પહેલા મધ્યપ્રદેશના સતના જિલ્લાની સરકારી હોસ્પિટલમાં થેલેસેમિયાથી પીડિત છ બાળકોને લોહી ચડાવવામાં આવ્યું હતું. લોહી ચડાવ્યા બાદ જ્યારે આ બાળકોના બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે તેમના લોહી એચઆઈવી પોઝિટિવ આવ્યા હતા. આ મામલે તપાસ સમિતી નિમવામાં આવી અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ બાળકોને એચઆઈવી પોઝિટિવ બ્લડ ચડાવવામાં આવ્યું હતું.
સતના જિલ્લા હોસ્પિટલની બ્લડ બેંકના ઈન્ચાર્જ અને પેથોલોજિસ્ટ ડો. દેવેન્દ્ર પટેલ દ્વારા આ બેદરકારી દાખવવામાં આવી હતી અને હવે તેમના આ દુષ્કૃત્યને કારણે છ નિર્દોષ બાળકોના જીવ જોખમમમાં મુકાઈ ગયા છે. ઘટનામાં તપાસ સમિતી નીમીને સરકાર હાથ ઉંચા કરી લીધા પરંતુ સરકારે જે જવાબદારી લેવાની હતી અને સાથે સાથે આવા કૃત્ય ભવિષ્યમાં નહીં બને તેના માટે કોઈજ પગલા લીધા નહીં. સામાન્ય રીતે જ્યારે પણ બ્લડ બેંકમાં બ્લેડ ડોનેશન લેવામાં આવે ત્યારે આ બ્લડની તપાસ કરવાની હોય છે. તપાસ કર્યા બાદ જે બ્લડ એચઆઈવી પોઝિટિવ ના હોય તે જે તે દર્દીને ચડાવવાનું હોય છે.
પરંતુ સતના જિલ્લાની હોસ્પિટલના પેથોલોજીસ્ટ ડો. દેવેન્દ્ર પટેલ, બે લેબ ટેકનિશિયન રામ ત્રિપાઠી અને નંદલાલ પાંડે તેમજ હોસ્પિ.ના પૂર્વ સિવિલ સર્જન દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું નહીં. પરિણામે એચઆઈવી પોઝિટિવ બ્લડ જ આ બાળકોને ચડાવી દેવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશની સરકારના આરોગ્ય વિભાગે દેખાડા પુરતી કાર્યવાહી કરીને ડો. દેવેન્દ્ર પટેલ, બંને લેબ ટેકનિશિયનને સસ્પેન્ડ કરી દેવાની સાથે પૂર્વ સિવિલ સર્જન ડો. મનોજ શુકલાને શો-કોઝ નોટિસ આપી છે પરંતુ બાળકો ઉપરાંત એચઆઈવી પોઝિટિવ બ્લડ કોને કોને ચડાવ્યું તેની કોઈ જ માહિતી આરોગ્ય વિભાગે મેળવી નથી.
એટલું જ નહીં,આરોગ્ય વિભાગે તે તપાસ કરવાની તસ્દી પણ લીધી નથી કે એચઆઈવી પોઝિટિવ બ્લડના ડોનર કોણ હતા? ઘટના ચાર માસ પહેલાની છે પરંતુ આ માટે તપાસ સમિતીનીરચના તા.16મી ડિસે.ના રોજ કરાઈ હતી. નરાધમો દ્વારા ડોનેશનમાં આવેલું બ્લડ એચઆઈવી પોઝિટિવ છે કે કેમ? તેની કોઈ જ તપાસ કરવામાં આવી નહોતી. એચઆઈવી પોઝિટિવ બ્લડ બાળકો ઉપરાંત કેટલીક સગર્ભા મહિલાઓને પણ ચડાવવામાં આવ્યું હતું. પરંતુ આ મહિલાઓને આરોગ્ય વિભાગ શોધી શક્યું નથી. શરૂઆતના તબક્કે તો આ ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બાદમાં હોબાળો થતાં તપાસ કરવામાં આવી હતી. આ ઘટના મામલે સ્થાનિક કલેકટર દ્વારા વિગતવાર તપાસનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે ત્યારે અનેક નવી ચોંકાવનારી માહિતી પણ બહાર આવવાની સંભાવના છે.
પ્રશ્ન એ થાય છે કે બ્લડ બેંકોમાં લોહીની યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવે છે કે કેમ?તે જોવાની જવાબદારી કોની? સરકારે શું ઘટના બન્યા બાદ જ તપાસ સમિતી નીમવાની? કોઈ ઘટના નહીં બને તે માટે સરકારે કોઈ જ પગલા લેવાના નહીં? આ ઘટનાને કારણે છ નિર્દોષ બાળકોની સાથે અન્ય અનેકોની જિંદગી જોખમમાં મુકાઈ ગઈ છે ત્યારે આના માટે જવાબદાર કોણ? મધ્યપ્રદેશ સરકારે ખરેખર આવી ઘટનામાં જેની જવાબદારી હોય તેને શોધીને તેની સામે એવી કાર્યવાહી કરવાની જરૂરીયાત છે કે ભવિષ્યમાં આ રીતે બેદરકારી કોઈના પણ દ્વારા બતાવવામાં આવે નહીં. જો તેમ થશે તો જ સરકારે પોતાની જવાબદારી નિભાવી છે તેમ કહેવાશે.