આણંદ : મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે લક્ષ અમૃતવિલા સોસાયટીમાં સરકારી અધિકારીઓના ત્રણ બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂ.7.30 લાખની મત્તા ચોરી કરતાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે. આ અંગે લુણાવાડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લુણાવાડાના ચરેલ રોડ પર આવેલી લક્ષ અમૃતવિલા સોસાયટીમાં રહેતા ડો. ચીરાગ ડામોર કોટેજ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેઓ 20મીની રાત્રિના ફરજ પુરી કરી પરિવાર સાથે સાસરીમાં નાના ભાગળીયા જવા નિકળ્યાં હતાં. રાત્રિ રોકાણ સાસરિમાં કર્યા બાદ સવારે મોટી ચરેલ ઘરે પરત આવ્યાં હતાં. આ સમયે તેમના ઘરના મુખ્ય દરવાજાને તાળુ મારવાની કડીના સ્ક્રી કાઢી નાંખેલા જોયાં. જેથી દરવાજો ખોલી ઘરમાં જોતાં બેડરૂમમાં રાખેલો લાકડાનું કબાટ તોડેલું હતું. કબાટની અંદર આવેલા ડ્રોઅરને લોક મારેલું હોય તે પણ તોડેલું હોય અને ચોરી થયાનું જણાયું હતું.
આથી, કબાટમાં જોતા સોનાના ઘરેણાં, રોકડા રૂપિયા મળી કુલ રૂ.દોઢ લાખ ઉપરાંતની મત્તા ચોરાઇ હતી. તેવી જ રીતે પડોશમાં રહેતા મધ્ય ગુજરાત વીજ કંપનીના ઉચ્ચ અધિકારી ગલજીભાઈ મહીડાના ઘરના દરવાજાના પણ તાળા તુટેલા હતાં. ઘરમાં તપાસ કરતાં દાગીના અને રોકડ મળી કુલ 2.30 લાખની ચોરી થઇ હતી. તેવી જ રીતે પાછળના ભાગે આવેલી પુષ્પમ્ વિલામાં રહેતા પટેલ ઇન્દુબહેનના ઘરના દરવાજાના તાળા પણ તુટેલાં હતાં. ઘરમાં તપાસ કરતાં તિજોરી ખુલ્લી હતી, જેનો સામાન વિખેર હતો. ઘરના ઉપરના માળે આવેલી પુજાના મંદિરમાં ખાનામાં રાખેલા સોના – ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ.70 હજારની ચોરી થઇ હતી. આમ ત્રણેય ઉચ્ચ અધિકારીના ઘરમાંથી કુલ રૂ.7.30 લાખની મત્તા ચોરાઇ હતી. આ અંગે લુણાવાડા પોલીસને જાણ કરતાં ટીમ સ્થળ પર પહોંચી હતી. તસ્કરનું પગેરૂ શોધવા ડોગ સ્કવોર્ડ અને એફએસએલની મદદ લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં તસ્કરો ખાસ વાહનમાં રસ્તા સુધી આવ્યાં હતાં. બાદમાં સોસાયટીમાં ઘુસી ચોરી કરી હતી.
પોલીસે દાગીનાની કિંમત ઓછી આંકી
લુણાવાડામાં સરકારી કર્મચારી – અધિકારીના ઘરમાં થયેલી ચોરીમાં સોના – ચાંદીના દાગીનાની મોટા પ્રમાણમાં ચોરી થઇ છે. એક અંદાજ મુજબ 40 તોલા જેટલા સોનાના દાગીના અને અઢી કિલો ઉપરાંત ચાંદીના દાગીનાની ચોરી થઇ છે. આમ છતાં પોલીસ ચોપડે માત્ર રૂ.7.30 લાખની ચોરી દર્શાવવામાં આવી છે. જેના કારણે ભોગ બનનારા સરકારી કર્મચારીમાં ગણગણાટ જોવા મળ્યો હતો.
કોના ઘરમાંથી શું ચોરાયું ?
ડો. ચિરાગ ડામોર
રોકડા રૂ.1.50 લાખ સોનાનું મંગળ સુત્ર પાંચ તોલાનું. સોનાનું ડોકીયું 2 તોલા. સોનાની લક્કી 2 તોલા. સોનાની 2 બંગડીઓ 2 તોલા. સોનાની 2 બુટ્ટી બે તોલા. ચીપ્સ 4 નંગ 2 તોલા.
ગલજીભાઈ મહીડા, એમજીવીસીએલના અધિકારી
ચાંદીના તોડા -3 ચાંદીના આંકડા -2 કંદોરા -2 ચાંદીની લક્કી નંગ-2 સોનાની ચેઇન એક તોલા. સોનાની બુટ્ટી, સેરો, નથણી, ચુંક, વીંટી મળી બે તોલા. ઝાંઝરી -02 તોડા -02 સાંકળી -01 લક્કી -03 નાના બાળકોના કડા -03 કેડ ઝુલા -02 સોનાનો સેટ 4 તોલા. લોકીટ 3 તોલા. મંગળસુત્ર સાડા ત્રણ તોલા. 2 બુટ્ટી ત્રણ તોલા. 2 વીંટી 3 તોલા. 2 બુટ્ટી સેરો એક તોલા. 2 ચેઇન અઢી તોલા. 3 સોનાની લકડી 3 તોલા રોકડા રૂ.10 હજારપટેલ ઇન્દુબહેન રમેશભાઈ
સોનાનું ડોકીયું દોઢ તોલા. ત્રણ સોનાની વીંટી. બે નાકમાં પહેરવાની સુની. રોકડા રૂ.50 હજાર.