લુણાવાડા છ લુણાવાડા શહેરની મધવાસ દરવાજા પાસે આવેલી બ્રાન્ચ શાળા નં.5ની સામે બારે માસ ગંદકીના કારણે આ શાળામાં અભ્યાસ કરતાં 500 જેટલા વિદ્યાર્થીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થયો છે. આ અંગે અનેક રજુઆત છતાં પાલિકા દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. લુણાવાડા શહેરના મધવાસ દરવાજા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સાફ સફાઈ નહીં કરાતા અસહ્ય ગંદકી ફેલાયેલી જોવા મળે છે.કોઇ ખાસ તહેવાર હોય તો જ ગંદકી સાફ કરવામાં આવે છે. ગંદકીથી માખી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.
શહેરના મધવાસ દરવાજા પાસે આરામપુરા રોડ પર આવેલ બ્રાન્ચ શાળા નં. 5 સામે નુરાની કોલોનીમાં પ્રવેશતાં જ માથાફાટ દુર્ગંધ મારતી ગંદકીથી બાળકો અને સ્થાનિકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.આ શાળામાં અંદાજિત 500 જેટલા દેશનુ ભવિષ્ય કહેવાતા ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે.શાળાની સામે નગરપાલિકા દ્વારા ગટર તેમજ સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલુ જોવા મળે છે.આ વિસ્તારમાં ક્યારેય દવાઓનો છંટકાવ કરવામાં આવતો નથી. ફેલાયેલી ગંદકીથી આજુબાજુના સ્થાનિક રહીશો અને દુકાનોવાળા નગરપાલિકામાં રજૂઆત કરીને થાકી ગયા છે.