શિક્ષકો જ્યારે ભણાવે છે ત્યારે તેમનો કોર્ષ નકકી હોય છે અને તે સિલેબસ પ્રમાણે તેમણે વર્ષ દરમિયાન ભણાવવાનું હોય છે. એટલે કોઈ વિદ્યાર્થી પોતાને મુંઝવતો પ્રશ્ન શિક્ષકને પૂછે અને તે પ્રશ્ન કોર્ષ બહારનો હોય તો તેનો જવાબ આપવાનું તે શિક્ષક ટાળશે. દરેક જગ્યાએ આ રીતે વિષયોની વહેંચણી થયેલી હોય છે. ઉત્સાહી વિદ્યાર્થીના મનમાં ઘણાં પ્રશ્નો ઉદ્ભવતા હોય છે પરંતું તેના ઉત્તરો ન મળતાં તે પ્રશ્નો પૂછવાનું ટાળે છે. વિદ્યાર્થી પણ પરીક્ષાલક્ષી તૈયારીમાં લાગી જાય છે. વિદ્યાર્થી મોંઘી ફી ભરીને સારી સ્કૂલમાં ભણે, સારા ટયુશન કલાસમાં પણ જાય, દસમા-બારમામાં સારા ટકા પણ લાવે છતાં તેને એડમિશન માટેની ટેસ્ટ અલગથી આપવી પડે. નોકરી માટેની ટેસ્ટ અલગથી આપવી પડે, તેમાં કંઈક કોર્ષ બહારનું પણ પૂછાય ત્યારે વિદ્યાર્થી ગુંચવાય. જીવનમાં કોર્ષ નક્કી હોતો નથી.
બી.કોમ કે એમ.કોમ થયેલી યુવતી શાકભાજી ખરીદવા જાય ત્યારે અભણ શાકભાજી વાળી એક મિનિટમાં શાકનો હિસાબ કરીને કહી દેશે કે બહેન આટલા રૂપીયા થયા, જ્યારે બહેનને તો કેલ્યુલેટર જોઈએ. આ થઇ કોર્ષ બહારની વાત. આજના મોટાભાગના યુવાનો પોતાની લાઇન સિવાયનું જ્ઞાન મેળવવામાં ઉત્સાહી નથી હોતા.અને ખરેખર પોતાની લાઇનમાં પણ નિપુણ નથી હોતા. જુનિયર વકીલ પાંચ વર્ષ સુધી વકીલાત કરે તો પણ દલીલ કરવાની આવે ત્યારે સિનીયરને બોલાવવા જાય. જ્યાં સુધી વ્યકિત હિંમત કરતો નથી ત્યાં સુધી નવું શિખવાનું મળતું નથી.પોતાની લાઇન સિવાયનું જ્ઞાન ધરાવનારા ઘણી વાર વધુ સફળ થતા હોય છે.ઓલ રાઉન્ડર વ્યકિત માટે સફળતાના બધા દરવાજા ખુલ્લા હોય છે, રાજકારણી બનવાના કોર્ષ ચાલતા નથી.
ગોડાદરા, સુરત – પ્રવિણ પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.